Thangadh: થાનના જામવાડી ગામે કોલસાની ખાણમાં કામ કરતાં શ્રમિક યુવાને મોબાઈલમાં નેટવર્ક ચાલુ કરતાં બાજુમાં પડેલા જિલેટીન સ્ટિકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં શ્રમિક યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થાનના જામવાડી ગામે કોલસાની ખાણમાં કામ કરતાં અલાનુજ અમીનભાઈ કાઠાથ નામનો 40 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં કોલસાની ખાણમાં હતો ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં શ્રમિક યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો.
ગંભીર રીતે દાજી ગયેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે ચોટીલા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ગંભીર રીતે દાઝી ગયેલો યુવાન મુળ અજમેરનો વતની અને છેલ્લા ત્રણ વર્ષથી અહિં કુવા ખોદવાનું કામ કરી રહ્યો છે અને ગઈકાલે કોલસાની ખાણમાં હતો ત્યારે મોબાઈલનું નેટ ચાલુ કરતાં ઝુંપડામાં પડલા જીલેટીન સ્ટીકમાં અચાનક બ્લાસ્ટ થતાં યુવક ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
