Rajkot News: રાજકોટના આંગણે માનવતા અને સંવેદનાનો અનોખો સંગમ રચાયો હતો, જ્યાં 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત 'વહલુડીના વિવાહ'માં પિતાની છત્રછાયા ગુમાવનારી 25 નિરાધાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સતત આઠમા વર્ષે યોજાયેલા આ ઐતિહાસિક અને જાજરમાન સમારોહમાં 10 હજારથી વધુ અતિથિઓની સાક્ષીએ દીકરીઓને રાજકુમારીની જેમ વિદાય આપવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગ પર આવેલા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારા અને સંગીતના સૂરો સાથે દીકરીઓની શાહી એન્ટ્રી કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોની વિશેષ ઉપસ્થિતિએ આ પ્રસંગને સામાજિક એકતાનું પ્રતીક બનાવ્યો હતો.
આ સમૂહલગ્નનું મુખ્ય આકર્ષણ દીકરીઓને અપાયેલું અત્યંત સમૃદ્ધ અને સ્નેહપૂર્ણ કરિયાવર હતું. દાતાઓના ઉદાર સહયોગથી પ્રત્યેક નવવધૂને સોના-ચાંદીના દાગીના, વોશિંગ મશીન, ડ્રેસ-સાડીઓ, અને 6 મહિના ચાલે તેટલું કરિયાણું અને ઘરવખરી સહિત 250થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. દરેક દીકરીના નામે રૂ.51 હજારની ફિક્સ ડિપોઝિટ (FD) પણ અર્પણ કરવામાં આવી હતી.

'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ માત્ર વડીલોની સેવા પૂરતું સીમિત ન રહેતા, સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ માટે પિતાની ગરજ સારી રહ્યું છે. આયોજકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા કુલ 189 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા છે. વૃદ્ધાશ્રમના વડીલોએ પણ જાણે પોતાની પૌત્રીઓના લગ્ન હોય તેવા હરખ સાથે આશીર્વાદ આપ્યા હતા. આ વર્ષના આયોજનની વિશેષતા એ રહી કે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ દુબઈ, લંડન, નાસિક અને બેંગ્લોર જેવા શહેરો અને દેશોમાંથી દાતાઓ ખાસ કન્યાદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે કન્યા વિદાય વેળાએ વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. હાજર રહેલા મહાનુભાવોનું પુસ્તક અને ખેસ અર્પણ કરી સન્માન કરાયું હતું, જેમણે નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. લગ્નોત્સવમાં ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા એવો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ અન્નકૂટનો પ્રસાદ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવશે.
