Surat News: સુરતના ચૌટા બજારમાં દબાણની સમસ્યા દુર કરવા માટે તંત્રએ કમરકસી છે. આજે પોલીસ અધિકારીઓ અને વેપારી સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં વેપારીઓને દુકાનની બહાર દબાણ નહી કરવા પોલીસે સ્પસ્ટ સુચના આપી હતી તેમજ હવે જો દબાણ થશે તો ગુના દાખલ થશે તેમ પોલીસે જણાવ્યું હતું.
સુરત શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે દરમ્યાન સુરતની ઐતિહાસિક ગણાતા ચૌટા બજારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા તંત્રએ કમર કસી છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસ કમિશ્નર અને મેયરે પણ સ્થળ મુલાકાત લીધી હતી. દરમ્યાન આજે અઠવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એસીપી વી. આર. મહલોત્રા (ACP)એ જણાવ્યું હતું કે, ચૌટા વિસ્તારના વેપારીઓ સાથે અઠવા પોલીસ સ્ટેશન ખાતે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, મુખ્યત્વે ચૌટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના 5 થી 7 ફૂટના દબાણો હોય છે. આ દબાણ દુર થાય એ માટે સુરત પોલીસ કમિશ્નર અને મેયરએ બે દિવસ પહેલા ચૌટા વિસ્તારની મુલાકાત લીધી હતી.

તમામ વેપારીઓને અનુરોધ કર્યો હતો કે બે દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસ્પ્લીનથી વ્યવસ્થા ગોઠવો જેથી પબ્લિકને હેરાનગતિ ન થાય. તમામ થાણા ઇન્ચાર્જને સુચના આપવામાં આવી હતી કે આ બાબતે વેપારીઓ સાથે મીટીંગ લઇ યોગ્ય નિરાકરણ થાય, જેથી વેપારીઓને પણ અગવડ ન પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતી ન થાય જેના ભાગરૂપે આજે મીટીંગ રાખવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતી ન થાય એ રીતે વેપાર ધંધો કરીશું અને એમની બીજી રજૂઆત એ હતી કે એક વેપારી 7 થી 8 ફૂટના ડિસ્પ્લે રાખે તો તેમની દુકાન દેખાતી નથી. જેથી તેમને પણ 7 થી 8 ફૂટનું દબાણ રાખવું પડે છે, એટલે આજે અમે 3 વાગ્યાથી કોર્પોરેશનના અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરીશું. વચલો રસ્તો થાય જેથી આમ પબ્લિકને હેરાનગતી ન થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવીને વચલો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશું, અને કાલથી જે વેપારીઓ નિયમનો ભંગ કરશે તો એમના વિરુદ્ધ ગુના દાખલ કરીશું.
