રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી સેવા આપતા મહિલા ડોક્ટરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. બનાવની જાણ થતાં મહિલા ડોક્ટરના માતા-પિતા રાજકોટ દોડી આવ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલા ડોક્ટર પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, માધાપર ચોકડી નજીક અતુલ્યમ એપાર્ટમેન્ટમાં રહેતા અને સીનર્જી હોસ્પિટલમાં તબિબ તરીકે સેવા આપતા 25 વર્ષીય બિંદિયા બોખાણીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બિંદિયાને તેમના માતા જશુબેનને રાત્રે ફોન કર્યો હતો પરંતુ પુત્રીએ ફોન ઉપાડ્યો ન હતો. સવારે માતા જશુબેન અને પિતા ગોવિંદભાઈ પાડોશીને જાણ કરી હતી.
પાડોશી બિંદિયાના ઘરે જતાં બિંદિયાનો મૃતદેહ ફ્લેટમાં પંખામાં લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. પુત્રીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં માતા-પિતા રાજકોટ આવી પહોંચ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ પહોંચી હતી. મહિલા તબિબની સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે, બિંદિયા હોમિયોપેથિક ડોક્ટર તરીકે સિનર્જી હોસ્પિટલમાં સેવા આપતા હતા. અગાઉ તેઓ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હતા. બિંદિયાને બે ભાઈ છે. પિતા ગોવિંદભાઈ નિવૃત શિક્ષણ હોવાનું અને અગાઉ સરપદડમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.