Board Exams: બોર્ડની પરીક્ષા આવતાજ વાલીઓ અને પરીક્ષાર્થીઓમાં એક ભય અને ચિંતા જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત મનોવિજ્ઞાન ભવનમાં વિદ્યાર્થીઓને લઇને અનેક સમસ્યાઓ આવી રહી છે. મનોવિજ્ઞાન ભવનમાં આવતી આ પ્રકારની સમસ્યાઓમાં જોવા મળ્યું છેકે, વદ્યાર્થીઓમાં દિન પ્રતિદિન ચિંતા, મનોભાર, તણાવની સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓના નિવારણના પ્રયાસના ભાગરૂપે ભવન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સ્કૂલોમાં જશે અને બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ-વાલીઓમાં જે ફોબિયા છે તેને દૂર કરવાના પ્રયત્નો કરશે.
મોટાભાગની સમસ્યાઓ પરીક્ષા સંબંધિત હોય છે. પરીક્ષા દરમિયાન વાંચેલુ યાદ ન રહે, કંઇ આવડતું નથી તેવો ભાવ, વાંચનમાં મન ન લાગે, ફેમીલી પ્રેસણ, અભ્યાસ છોડવાનું મન થાય, જીવન ટૂંકાવી લેવાના વિચારો જન્મે, પોતાની સમસ્યાઓ અંગે અન્યને જણાવવામાં ઉણપ, અસફળ થવાનો ભય, પેપર પુરું થશે કે નહીં આ પ્રકારની અનેક સમસ્યાઓ અંદરથી વિદ્યાર્થીઓને સતાવતી રહેતી હોય છે. આ બધી સમસ્યાઓના કારણે વિચારવાયુ, નકારાત્મકતા, ભય, સ્વાભાવમાં ચિડીયાપણું, આત્મવિશ્વાસનો અભાવ, એકાગ્રતાનો અભાવ, આવેગ નિયંત્રણની ઉણપ, લઘુતાગ્રંથી સહિતની સમસ્યાઓ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે.
જેના કારણે ઘણીવાર શારીરિક સમસ્યાઓ ઉભી થાય છે, જેમ કે હૃદયના ધબકારા વધી જવા, એટેક આવવો, અતિશય છાતીમાં દુખાવો ઉપડવો, હાથ-પગમાં ધ્રુજારી, માથું દુખવું, પરસેવો વળવો, પાચનક્રિયામાં સમસ્યા, સમગ્ર શરીરમાં અશક્ત લાગવી. જે આગળ જતાં મનોવૈજ્ઞાનિક વિકૃતિમાં પરિવર્તિત થાય છ. જેમકે સ્લીપ ડિસોર્ડર, સ્ટ્રેસ, એન્ઝાઇટી, ઇટીંગ ડિસોર્ડર, ડિપ્રેશન, આત્મહત્યાવૃતિ જેવી સમસ્યાઓને જન્મ આપે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજવા અને તેમાંથી તેમને કેવી રીતે બહાર કાઢી શકાય તે દિશામાં મુહિમ ઉપાડી રહ્યું છે. જેમાં ભવનના અધ્યાપકો અને છાત્રો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, યાદશક્તિ વધારવા, કેથાર્સિસ કરવા, પરીક્ષાનું દબાણ ઓછું કરવા માટે માતા-પિતાને અવેર કરવા, માતા-પિતા દ્વારા અપાતા પ્રેશરને ઓછું કરવા સહિતના અનેક વિષયો પર વ્યાખ્યાનો આપીને આ સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. રિલેક્સેશન ટેક્નિક, ઓટોસજેશન, કેથાર્સિસ જેવી મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો ઉપયોગ વિદ્યાર્થીઓને રિલેક્સ કરવા માટે કરશે.
વિદ્યાર્થીઓને બોર્ડઝની એક્ઝામ આવે ત્યાં સુધી કોઈપણ શાળા તેના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ભય કે તણાવ દુર કરવા કોઈ લેકચર કે સેસન રાખવા ઇચ્છતા હોય તો મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે.