રાજકોટ: હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો; આરોપીઓને બચાવવા અટક બદલ્યાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, કાલવાડ રોડ પર સ્થિત સરાઝા હોટલમાં મોડી રાત્રે અતિ ધનાઢ્ય અને હાઈ-પ્રોફાઈલ લોકો માટે એક દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા અને રાજકોટ શહેર પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સંયુક્ત રીતે બાતમીના આધારે હોટલ પર દરોડા પાડ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 12:24 PM (IST)Updated: Mon, 02 Nov 2026 12:31 PM (IST)
rajkot-sarazha-hotel-high-profile-liquor-party-police-controversy
હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી

Rajkot Liquor Party Raid News: રાજકોટ શહેરના કાલવાડ રોડ પર આવેલી જાણીતી ‘સરાઝા’ હોટલમાં શનિવારની મોડી રાત્રે પાડવામાં આવેલા હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટીના દરોડા બાદ હવે પોલીસની કામગીરી ભારે વિવાદોના ઘેરાવામાં આવી ગઈ છે. કેસમાં મુખ્ય આયોજક અને બિલ્ડરને બચાવવાના પ્રયાસો કરવા તેમજ એક ભાજપ ધારાસભ્યના ભાઈની અટક બદલીને એફ.આઈ.આર. નોંધવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠતા જ સમગ્ર રાજકોટ સહિત રાજ્યભરમાં રાજકીય અને સામાજિક ખળભળાટ મચી ગયો છે.

કાલવાડ રોડની ‘સરાઝા’ હોટલમાં LCB અને પોલીસનો દરોડો

મળતી માહિતી મુજબ, કાલવાડ રોડ પર સ્થિત સરાઝા હોટલમાં મોડી રાત્રે અતિ ધનાઢ્ય અને હાઈ-પ્રોફાઈલ લોકો માટે એક દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા અને રાજકોટ શહેર પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સંયુક્ત રીતે બાતમીના આધારે હોટલ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વિદેશી મોંઘીદાટ દારૂની બોટલો અને ગેરકાયદેસર રીતે ચાલતું હુક્કાબાર મળી આવ્યું હતું.

આ પાર્ટીમાં 33 મહિલાઓ સહિત કુલ 76 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં 30 જેટલા પરિણિત યુગલોનો પણ સમાવેશ થાય છે. આ પાર્ટી થીમ આધારિત હોવાથી મહિલાઓ ખાસ બ્લેક ગાઉન પહેરીને આવી હતી. દરોડા બાદ પોલીસ પકડથી બચવા અને ઓળખ છુપાવવા મહિલાઓએ હોટલના પીળા કલરના ટેબલ કવરથી પોતાના મોં ઢાંકીને બહાર નીકળવું પડ્યું હતું. પોલીસે તમામના મેડિકલ ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

બિલ્ડરને પાછલા બારણેથી ભગાડ્યો, ધારાસભ્યના ભાઈની અટક બદલી!

પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ ત્યાર પછીની પ્રક્રિયામાં પક્ષપાત અને લીપાપોતી થતી હોવાના આરોપો સામે આવ્યા છે. આ દારૂ પાર્ટીના મુખ્ય આયોજક અને બિલ્ડર ચિરાગ પટેલને પોલીસે કથિત રીતે પોલીસ સ્ટેશનના પાછલા દરવાજેથી સુરક્ષિત રીતે બહાર કાઢી મૂક્યો હતો. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાઈ મનીષ વરમોરાનું નામ એફ.આઈ.આરમાં ‘મનીષ પટેલ’ તરીકે નોંધવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ થયો છે.

જ્યારે મીડિયાકર્મીઓએ ઝોન-2ના એસીપી રાકેશ દેસાઈને પ્રશ્નો પૂછ્યા કે મુખ્ય આરોપી અને આયોજકને બચાવીને હોટલના કર્મચારીઓને જ આરોપી કેમ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે કોઈ ચોક્કસ જવાબ આપવાને બદલે પત્રકારોને જ પોલીસ મથકમાંથી બહાર ધકેલી દીધા હતા.

મીડિયા સાથે ઘર્ષણ અને લીપાપોતીથી જનતામાં રોષ

સોશિયલ મીડિયા પર અત્યારે એવા ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ પત્રકારો અને કેમેરામેન સાથે ધક્કામુક્કી કરીને તેમને ઘટનાસ્થળેથી હટાવી રહ્યા છે. આ પ્રકારના વર્તનથી સમગ્ર રાજ્યના મીડિયા જગતમાં અને સામાન્ય જનતામાં વિરોધનો સૂર ઉઠ્યો છે. સામાન્ય નાગરિકો માટે કડક ટ્રાફિક અને દારૂબંધીના નિયમો લાગુ કરતી પોલીસ આવી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં રાજકીય વગ અને પૈસાના જોરે છૂટછાટ આપતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માગ વધી રહી છે.