Fake Doctors Arrested in Rajkot: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નકલી ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નકલી ડોક્ટરોને ઝડપી પાડવાની સમગ્ર કાર્યવાહી અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કુલ 17 ડુપ્લિકેટ ડોક્ટર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ યોગ્ય તબીબી લાયકાત વિના દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ પોલીસે 17 નકલી ડોક્ટર ઝડપ્યા
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ઝડપાયેલા 17 આરોપીઓ પૈકી 14 આરોપીઓ ધોરણ 10 અને 12 પાસ છે, જ્યારે ત્રણ આરોપીઓ ગ્રેજ્યુએટ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ આરોપીઓ અગાઉ ડોક્ટરોના સહાયક તરીકે અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્યા હતા. આ અનુભવના આધારે તેઓ પોતે ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. આ નકલી ડોક્ટરો સામાન્ય તાવ, શરદી સહિતની બીમારીઓ માટે હોમિયોપેથીક દવાઓ અને અન્ય દવાઓનો ઉપયોગ કરીને દર્દીઓને સારવાર આપતા હતા.
તપાસમાં સૌઁથી ચોંકાવનારી બાબત
ખાસ કરીને સામાન્ય બીમારીઓની સારવારના નામે તેઓ પ્રેક્ટિસ કરતા હતા. જોકે, તેમની પાસે યોગ્ય તબીબી લાયકાત હતી કે નહીં તે મુદ્દો સમગ્ર કાર્યવાહીમાં મહત્ત્વનો બન્યો છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ઝડપાયેલા કેટલાક આરોપીઓ છેલ્લા બેથી ત્રણ મહિનાથી જ નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા, જ્યારે કેટલાક આરોપીઓ દસ વર્ષથી પણ વધુ સમયથી આ રીતે પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે, કેટલાક આરોપીઓએ લાંબા સમય સુધી તબીબી લાયકાત વિના દર્દીઓને સારવાર આપી હોવાની વિગતો સામે આવી છે.
નકલી ડોક્ટરો સામે કાર્યવાહીથી ફફડાટ
આરોપીઓ પૈકી કેટલાક સમયાંતરે પોતાની પ્રેક્ટિસ બંધ કરીને અન્ય વ્યવસાય કે કામ તરફ વળી જતા હતા.ત્યારબાદ ફરીથી નકલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરતા હતા. બીજી તરફ, વિવિધ સ્થળોએ તેમની ઓળખ છતી થવા લાગતાં કેટલાક નકલી ડોક્ટરો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નકલી ડોક્ટરો સામે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી તબીબી લાયકાત વિના દર્દીઓની સારવાર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય બીમારીની સારવાર માટે આવા બોગસ ડોક્ટરો પાસે જતા દર્દીઓના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.
વિશેષ ડ્રાઈવ આગળ પણ યથાવત્ત રખાશે
રાજકોટ ગ્રામ્ય પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, નકલી ડોક્ટરો સામેની આ કાર્યવાહી માત્ર એક વખત પૂરતી મર્યાદિત નહીં રહે. ભવિષ્યમાં પણ બોગસ ડોક્ટરોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નકલી ડોક્ટરોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસની આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
