રાજકોટ
છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી પડી રહી છે અને સરકાર કોલ્ડવેવની આગાહી કરી રહી છે. આ સાથે જ લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ખેડૂતો હાલ હાડ થીજવતી ઠંડીમાં પણ ખેતરે જવા મજબૂર બન્યા છે. હકીકતમાં રાતે વીજ પૂરવઠો મળતો હોવાને કારણે ખેડૂતોને પોતાના ખેતરે કડકડતી ઠંડીમાં પાણી વાળવા માટે જવું પડે છે.
સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દિવસે વીજ પૂરવઠો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ સરકારનું આ વચન જાણે પોકળ સાબિત થઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે. જેના પગલે ખેડૂતો રાતે ખેતરે જવા માટે મજબૂર બન્યા છે.
આટલું જ નહીં, રાતે પણ સરખી રીતે વીજળી ન અપાતી હોવાના કારણે ખેડૂતોને વાડીએ જ રહેવું પડે અને ત્યાં સુધી વીજળીનો સમય હોય ત્યાં સુધી ફરજિયાત ઠંડીમાં પાણી વાળવા માટે મજબૂત બન્યા છે.
PGVCL દ્વારા સામાન્ય રીતે 8 કલાક વીજળી આપવામાં આવતી હોય છે એમાં પણ બે થી ત્રણ વાર વચ્ચે વીજળી કાપ આવવાના કારણે ખેડૂતોને ભારે હેરાનગતિ પણ થઈ રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું

એક તરફ સરકાર સૂર્યોદય યોજનાની વાત કરી રહી છે અને કહે છે કે, આ યોજના હેઠળ ખેડૂતોને રાતે વીજ પાવરની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને દિવસે ખેડૂતોને વીજળી મળી રહેશે. જો કે આ યોજના હાલ તો અધરતાલ છે. ધોરાજીના ખેડૂતોને રાતના 9 થી સવારે 6 વાગ્યા સુધી વીજ પૂરવઠો આપવામાં આવે છે, જેથી ખેડૂતોને રાત ઉજાગરા કરી અને પિયત આપવું પડે છે
શું છે સૂર્યદય યોજના?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના ખેડૂતો માટે એક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કેન્દ્ર સરકારની મદદથી રાજ્યમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.જે અંતર્ગત સૌ પ્રથમ વાર સૌરાષ્ટ્રમાંથી આ પ્રોજેક્ટની શરૂઆત કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં લાગું કરવામાં આવ્યો હતો.
જો કે હજી સુધી આ યોજનાનો અમલ પૂરતી રીતે ન થયો હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને સિંચાઈમાં થતી મુશ્કેલી માટે કિસાન સર્વોદય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું.
આ યોજના હેઠળ 16 કલાક ખેતી માટે દિવસે વીજળી મળે તે માટે સરકારે યોજના બહાર પાડી હતી અને રાતના સમયે ખેડૂતોને પાણી ન વાળવું પડે અને જંગલ વિસ્તાર હોય કે પછી શિયાળામાં ઠંડીના કારણે ખેડૂતોને હેરાન ન થવું પડે તેના માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી. જો કે હજી સુધી સૌરાષ્ટ્રમાં આ યોજના લાગુ જ ન થઇ હોય તેવું લાગી રહ્યું છે