રાજકોટ.
રાજકોટની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આજે સવારે મૃતદેહ બદલાઈ જતા મહિલા તબીબનો પરિવાર ધંધે લાગી ગયો હતો. સવારે મહિલા તબીબે આપઘાત કર્યો હતો, ત્યારે કુવાડવા રોડ પર રહેતી આદિવાસી યુવતિનું કરંટ લાગવાથી મોત થયું હતું. જેમાં મહિલા તબીબનું સૌ પ્રથમ પોસ્ટમોર્ટમ થઈ જતા તેના બદલે આદિવાસી યુવતીનો મુતદેહ પરિવારને સોંપી દીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, માધાપર ચોકડી પાસે આવેલ અતુલ્યમ એપાર્ટમેન્ટમાં રહેતી અને સીનર્જી હોસ્પિટલમાં નોકરી કરતી બિંદીયાબેન ગોવિંદભાઈ બોખાણી (ઉ.વ.25)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બીજીબાજુ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવી બનતી સાઈટમાં કામ કરતી કાળીબેન ચેતનભાઈ મંગેડ (ઉ.વ.27) નામની આદિવાસી યુવતી સવારે ન્હાવા ગઈ હતી, ત્યારે શોર્ટ લાગતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
રાજકોટ સિવિલમાં આપઘાત કરનાર મહિલા તબીબ અને આદિવાસી યુવતીનું પોસ્ટમોર્ટમ સાથે જ કરવામાં આવ્યું હતું. જે બાદ બન્ને મૃતદેહ પેક કરવામા આવ્યા હતા. જેમાં ભૂલથી તબીબના પરિવારજનોને આદિવાસી યુવતીનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.
તબીબ યુવતીનો મૃતદેહ સ્વીકાર્યા બાદ પુત્રીનું મોઢુ જોવાના બદલે શિક્ષક પિતા સહિતના પરિવારજનો અંતિમ વિધિ માટે વતન સરપદડ જવા નિકળી ગયા હતા. બીજીબાજુ આદિવાસી યુવતીનો પતિ પોસ્ટમોર્ટમ રૂમે પત્નીનો મૃતદેહ લેવા આવ્યો, ત્યારે ચહેરો જોતા પોતાની પત્નીની લાશ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ બદલાઈ ગયાની ફરજ પરના કર્મચારીને જાણ થતા તેણે મૃતક તબીબના પિતા ગોવિંદભાઈ બોખાણીને ફોન કરી જાણ કરી હતી કે, ભૂલથી તમારી પુત્રીની જગ્યાએ તમને અન્ય યુવતીનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. આખરે ઘંટેશ્વર પહોંચેલા મહિલા તબીબના પરિવારજનો પરત પોસ્ટમોર્ટમ રૂમ પર આવ્યા હતા, જ્યાં આદિવાસી યુવતીનો મૃતદેહ પરત કરીને પોતાની પુત્રીનો મૃતદેહ અંતિમ વિધિ માટે લઈ ગયા હતા.