રાજકોટ.
રાજકોટમાં રજપૂતપરા મેઇન રોડ ઉપર આવેલી દિપક એન્ડ કંપની નામની દુકાનમાં ચોરી કરનાર બંને આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ જ્યૂબેલી પોલીસ ચોકીમાં લઈને આવી હતી. આ દરમિયાન એક આરોપીએ પોતાની જાતે ગળામાં બ્લેડ વડે કાપા મારી દેતા તેનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ઝડપી લઈ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે કમર કસી હોય તેમ અનેક ગુનાના ભેદ ઉકેલવામાં આવી રહ્યાં છે.
જે અંતર્ગત આજે રજપૂતપરા મેઇન રોડ પર આવેલી દિપક એન્ડ કંપની નામની દુકાનમાં 5 દિવસ પૂર્વે રાતના સેનેટરીવેર અને બાથ ફીટીંગના રૂ.1,83,040 ના માલસામાનની ચોરી થયાની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે આરોપી અનિલ જયંતિ ચારોલીયા (રહે. કુબલિયાપરા) અને વિકી ભીખુભાઈ તળેટીયાને રામનાથપરા ભાણજી દાદાના પુલ પાસેથી ઝડપી લીધા હતા.
આ સાથે પોલીસે બન્ને આરોપીઓ પાસેથી કુલ રૂ.1,83,040નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે બાદ ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને આરોપીને જ્યુબેલી પોલીસ ચોકીમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી અનિલ ચારોલીયાએ પોતાની જાતે બ્લેડ વડે પોતાના જ ગળા ઉપર કાપા મારી લેતા તે ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
જેથી અનિલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતુ. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.