રાજકોટ.
અંધશ્રદ્ધામાં અનેક પરિવારના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે શહેરની ભાગોળે આવાલ કુચીયાદડ ગામમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ગુમ થયેલો પુત્ર ઘરે પરત ફરતાં તેની માનતા પૂરી કરી પરત ફરેલી માતાને પગમાં દુ:ખાવો થતાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. જેના કારણે માઠું લાગતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી હતી. જો કે પત્નીને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ પતિ તેને ભુવા પાસે લઈ ગયો હતો. જ્યાં ભુવાએ ભભૂતિ અને દાણા આપ્યા બાદ બીજા દિવસે મહિલાની તબિયત વધારે લથડતા મહિલાનો મોત થયું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા કુચીયાદડ ગામે રહેતી જયાબેન દેવાભાઈ ઝખાણીયા (40) નામની પરિણીતા હસાભાઈની વાડીએ હતી, ત્યારે સવારે 8 વાગ્યાની આસપાસ તેણે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બાબતની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, જયાબેન ઝખાણીયાને સંતાનમાં 4 પુત્ર અને 2 પુત્રી છે. જેમાં જયાબેનનો મોટો પુત્ર ઘરેથી લાપત્તા થયો હતો, જેની જયાબેને માનતા રાખી હતી. જો કે પુત્ર હેમખેમ ઘરે પરત ફરતા જયાબેન પુત્રની માનતા પુરી કરવા ગયા હતાં. જ્યાંથી આવ્યા બાદ તેમને પગમાં દુ:ખાવો થતાં તે અંગે પતિને ફરિયાદ કરી હતી. આથી પતિએ માનતા નહીં રાખવા બાબતે ઠપકો આપ્યો હતો.
આ બાબતે દંપતી વચ્ચે થયેલી માથાકૂટથી જયાબેનને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર પત્નીને પતિએ હોસ્પિટલ લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ ગયો હતો. જ્યાં ભૂવાએ ભભૂતિ અને દાણા આપી ઘરે પરત મોકલી દીધા હતાં. ઘરે આવ્યા બાદ જયાબેનની બીજા દિવસે તબિયત લથડતા તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો એરપોર્ટ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.