Rajkot: ઈન્ડિગોની ફલાઈટમાં ટેકનીકલ ખામી અને મુંબઈ એરપોર્ટ પર રનવેની કામગીરીની અસર ઈન્ડીગોની ફલાઈટના સમયપત્રક ઉપર પડી હતી. ઈન્ડિગોની ફલાઈટનું સમયપત્રક ખોરવાઈ જતાં રાજકોટ-મુંબઈ અને દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ ભારે હંગામો મચાવી દીધો હતો.
દેશનાં ત્રણ એરપોર્ટ ઉપર ઈન્ડીગોની ફલાઈટના મુસાફરોએ કરેલી ધમાલનો વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડીગોની રાજકોટ-મુંબઈ અને દિલ્હીની ફલાઈટના સમય પત્રક ખોરવાઈ જતાં રાજકોટ આવતી દિલ્હી-મુંબઈની ઈન્ડીગોની ફલાઈટ મોડી પડતાં આ ફલાઈટે એક કલાકથી લઈ પાંચ કલાક સુધી મોડી ઉડાન ભરતાં મુસાફરો અકળાયા હતાં. તેમજ સાંજની દિલ્હી અને મુંબઈની ફલાઈટ અચાનક રદ થતાં દેકારો બોલી ગયો હતો.
છેલ્લા ઘણા વખતથી ઈન્ડીગોની ફલાઈટનાં આવવાગમનમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા ફલાઈટના ઓપરેશનમાં કોઈ ખામી સર્જાતા ઈન્ડીગોની ફલાઈટનો સમય પત્રક ખોરવાઈ ગયો છે. જેના કારણે રાજકોટ આવતી ઈન્ડીગોની ફલાઈટના સમયમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે તો કેટલીક ફલાઈટો અચાનક રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઈન્ડીગોની દિલ્હીથી રાજકોટ આવેલી ફલાઈટ જે સવારે 7:05 ઉડાન ભરે છે, તે ફલાઈટે આજે બપોરે 1 વાગ્યે ઉડાન ભરી હતી. જ્યારે રાજકોટથી મુંબઈની ઈન્ડીગોની ફલાઈટ એક કલાક મોડી ઉપડી હતી. દિલ્હીથી રાજકોટ આવેલી ઈન્ડીગોની ફલાઈટ મોડી પડતાં દિલ્હી એરપોર્ટ પર મુસાફરોએ હંગામો મચાવ્યો હતો.
બીજી તરફ મુંબઈ એરપોર્ટ ઉપર પણ ફલાઈટ મોડી થવાના કારણે મુસાફરો અકળાયા હતાં.રાજકોટથી મુંબઈ અને દિલ્હીની ઉડાન ભરતી ઈન્ડીગોની ફલાઈટ એક થી પાંચ કલાક મોડી ઉપડી હતી.
બીજી તરફ રાજકોટથી મુંબઈની 4.55 અને દિલ્હીની 5.55ની ફલાઈટ રદ કરી દેવામાં આવતાં મુસાફરોમાં ભારે દેકારો મચી ગયો હતો. ઈન્ડીગોની ફલાઈટના સમયપત્રક ખોરવાઈ જતાં દિલ્હી-મુંબઈ અને રાજકોટ એરપોર્ટ પર મુસાફરોએ ધમાલ મચાવી દીધી હતી. જેનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
