રાજકોટ
Rajkot News: રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં રાજકોટ શહેરના અશોક ગાર્ડન નજીક આવેલ શાળા નંબર 81માં શિક્ષક દ્વારા બે બાળકોને શાળાના છજા ઉપર ચડાવી સફાઇ કરાવવામાં આવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
આમ તો ગુજરાત સરકાર દ્વારા "વાંચે ગુજરાત-ભણશે ગુજરાત"ની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે. જો કે છાશવારે શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા હોવાના વીડિયો સામે આવતા રહે છે. એવામાં આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે.
જેમા શહેરના અશોક ગાર્ડન નજીક આવેલ શાળા નંબર 81 જમશેદજી તાતામાં આજે બપોરના 1:30 વાગ્યાં આસપાસ શાળાના મુખ્ય બિલ્ડિંગ ખાતે છજા પર જીવના જોખમે ચડાવી હાથમા ઝાડુ લઇ સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે. એટલું જ નહી કોઈ શિક્ષિકા પણ નીચે ઉભા ઉભા રહી બાળકોને સફાઈ માટે સૂચના આપતા હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
માત્ર સાફ સફાઈ જ મુદ્દો નહી, પરંતુ આ વખતે તો શાળાના શિક્ષકોએ હદ વટાવી બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. બાળકોને છજા પર ચડાવવામાં આવ્યા અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? તે પણ સૌથી મોટો સવાલ છે.
આ બાબતે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું કે, મને આ બાબતે ખ્યાલ નથી. જો કે આપના મારું ધ્યાન ધ્યાન દોરવામાં આવ્યું છે. આ બાબતે જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.