Rajkot News: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીકના અમરેલી ગામ પાસે અદ્યતન શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, કુલ 43 એકર જમીનમાંથી પ્રથમ તબક્કામાં 33 એકર જમીન પર 220 બેડની સુવિધા ધરાવતી આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ફાઈનલ માસ્ટર પ્લાન ગઈકાલે રજૂ કરવામાં આવ્યો હતો.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 20 ડિસેમ્બરને શનિવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ડિઝાઈન, ઈન્ટિરિયર, સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લે-આઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

4 લાખ સ્ક્વેર ફીટનું કામ પહેલા ફેઝમાં કરવામાં આવશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું આજે મુખ્ય પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ હોસ્પિટલ રાજકોટ નજીક અમરેલી ગામે થવા જઈ રહી છે. 43 એકરની આ જગ્યામાં પહેલા ફેઝમાં 33 એકરમાં આ કામ શરૂ કરવામાં આવશે. આનું 33 એકરમાં લગભગ 4 લાખ સ્ક્વેર ફીટનું કામ પહેલા ફેઝમાં કરવામાં આવશે.

આની અંદર હોસ્પિટલની સાથે-સાથે ડોક્ટરને રહેવાની સુવિધા અને નર્સીસને રહેવાની સુવિધા દર્દીઓના સગા-સંબંધીઓને રહેવાની સુવિધા. સાથે-સાથે મેડિટેશન હોલની પણ સુવિધા હોસ્પિટલમાં કરવામાં આવી. પહેલેથી કહું છું, ખોડલધામ સંસ્થાનો એ વિચાર છે અને જ્યારે સંસ્થા વિચારથી ચાલતી હોય ત્યારે સારા કામો કરવાના દરેક લોકોને વિચાર આવે છે.

કેન્સરના દર્દીઓને સારવાર માટે બહાર જવાની જરૂર નહીં પડે
ટાટા મેમોરિયલ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર અને હાલ પ્રોફેસર એમેરિટસ ડો. બડવેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ આજની નહીં, પણ આવતીકાલની જરૂરિયાત છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ શહેરીકરણ છે. હાલ ગામડાઓમાં દર લાખે 40 વ્યક્તિઓને કેન્સર થાય છે, જ્યારે શહેરીકરણ વધતા આ આંકડો દર લાખે 100 પર પહોંચશે, જે હાલની સ્થિતિ કરતાં બમણાથી પણ વધુ છે. તેમણે ઉમેર્યું હતું કે આ હોસ્પિટલ આગામી 40 વર્ષમાં વધનારા કેન્સરના તમામ કેસોની સારવાર કરી શકશે, અને સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને સારવાર માટે બહાર જવાની જરૂર નહીં પડે.

ડો. બડવેએ કેન્સર વધવાના મુખ્ય કારણોમાં તમાકુ અને સ્થૂળતા (ઓબેસિટી) નો સમાવેશ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે શહેરોમાં દર લાખે 100 લોકોને કેન્સર થાય છે, જ્યારે ઇંગ્લેન્ડ-અમેરિકામાં આ આંકડો 360 છે, જે આપણા કરતા ઘણો વધારે છે. સ્થૂળતા જેટલી વધે છે, તેટલા કેન્સર, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધે છે. તેમણે વજન ઘટાડવા, દરરોજ કસરત કરવા અને આઉટડોર ગેમ્સ રમવા પર ભાર મૂક્યો હતો. ખાવા-પીવાની ટેવો અંગે તેમણે સલાહ આપી કે સારો નાસ્તો અને બપોરનું ભોજન કરવું, પરંતુ 40 વર્ષ પછી રાતનું ભોજન (ડિનર) બંધ કરવું હિતાવહ છે, કારણ કે આજના બાળકો ભૂખ શું છે તે જાણતા નથી.

અત્યાધુનિક કેન્સર હોસ્પિટલની કેટલીક મહત્વની વિગતો
આ નવું કેન્સર સેન્ટર રાજકોટ શહેરની બહાર, અમરેલી ગામમાં ૩૪ એકરના વિશાળ પ્લોટ પર વિકસાવવામાં આવી રહ્યું છે. તે રેલ્વે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા મુખ્ય પરિવહન કેન્દ્રો દ્વારા વૈશ્વિક સ્તરે સારી રીતે જોડાયેલું છે. આ સંકુલમાં 220 બેડની હોસ્પિટલ, ડોકટરો અને નર્સો માટે કેમ્પસ આવાસ, ધ્યાન કેન્દ્ર, દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે ધર્મશાળા, સુવિધા સ્ટોર, તાલીમ અને સંશોધન માટે ઓડિટોરિયમ, પરિવહન હબ અને જરૂરી પાર્કિંગ વિસ્તારોનો સમાવેશ થાય છે.

હોસ્પિટલની ડિઝાઈન ગ્રીન મોબિલિટી, કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ અને ઉર્જા કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આઇજીબીસી પ્લેટિનમ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અહીં લીનિયર એક્સિલરેટર્સ, એમઆરઆઈ, સીટી સ્કેન અને અત્યાધુનિક ઓપરેશન થિયેટર જેવા અદ્યતન ઉપકરણો ઉપલબ્ધ હશે.

માં ખોડલના વાહન મગરની સ્થિતિસ્થાપકતામાંથી પ્રેરણા લઈને, આ હોસ્પિટલ દર્દીઓને બિમારીમાંથી સાજા થવાની યાત્રામાં મદદ કરશે. આંતરિક ડિઝાઇનમાં sterility અને શાંત વાતાવરણ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે કુદરતી પ્રકાશ અને બહારના નજારો દર્દીઓની ઝડપી સ્વસ્થતામાં મદદરૂપ થશે.

