Rajkot: ગોંડલના પૂર્વ ધારાસભ્ય ગણેશ જાડેજાના પડકારને ઝીલીને આજે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ગોંડલની મુલાકાતે આવ્યા છે. જેના પગલે પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારીના ભાગરૂપે સમગ્ર ગોંડલમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આમ છતાં આજે જ્યારે ગોંડલમાં અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર અગ્રણીઓનો કાફલો આવી પહોંચ્યો હતો. આ વિરોધ કરી રહેલા લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલા ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો કર્યો હતો.
આજે સમગ્ર ગોંડલમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો પોતાના હાથમાં અલગ-અલગ બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા. જેમાં 'ગબ્બર નહીં ગદ્દાર', 'અડધી રાતનો હોંકારો એટલે ગોંડલનો દીકરો ગણેશ', 'ગોંડલનો સ્પૂન બૉય નહીં, ગોંડલનો ગોલ્ડન બૉય',' શાંતિ, સલામતી અને એકતાનું પ્રતિક એટલે જયરાજસિંહ જાડેજા', 'ગોંડલની જનતાનો જનઆક્રોશ, ગોંડલની જનતાનો એક જ નારો, જ્ઞાતિવાદીને જાકારો' અને 'આ છે ગોકુળિયું ગોંડલ, આ છે અઢારે વર્ણનું ગોંડલ, આ છે એકતાનું પ્રતિક ગોંડલ' સહિતનું લખાણ લખવામાં આવ્યું હતુ.
આ સાથે જ જ્યારે અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલના રસ્તા પરથી પસાર થયો, ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ 'અલ્પેશ કથીરિયા હાય..હાય..', 'સ્વાગત છે સ્વાગત છે ગોંડલમાં ગમે તેનું સ્વાગત છે' જેવા નારા લગાવ્યા હતા. જ્યારે મહિલાઓએ જીગીશા પટેલના નામના છાજીયા કૂટ્યા હતા.
બીજી તરફ અલ્પેશ કથીરિયાના કાફલાની એક કાર દ્વારા કાળા વાવટા સાથે વિરોધ કરી રહેલા લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક કારના કાંચ તોડી નાંખવામાં આવ્યા હતા, તો કારના ડ્રાઈવરો પર ટપલીદાંવ કરવામાં આવ્યો હતો.
જ્યારે અલ્પેશ કથીરિયાના કાફલાની કારના એક ડ્રાઈવરે જણાવ્યું કે, નાળા નજીક ચાર-પાંચ જણાં બંદૂક અને તલવાર લઈને આવ્યા હતા. જેમણે મારા અને મારી ગાડી ઉપર હુમલો કર્યો હતો. જે પૈકી એકે મને જયરાજસિંહ જાડેજાનો ફોટો બતાવીને કહ્યું કે, 'તને ખબર છે આ કોણ છે, તારો બાપ છે' એવું બોલતા હતા.
હાલ તો ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
