Rajkot News: રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે કામ કરતા કારીગરો સોના-ચાંદીના દાગીના લઈને નાસી છૂટ્યા હોવાના કિસ્સા અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. આવા જ એક બનાવમાં રાજકોટના જાણીતા અર્જુન જ્વેલર્સ શો રૂમના માલિકે પોતાના ત્રણ વર્ષ જૂના કેશિયર પર વિશ્વાસ મૂકી તેને હેડ કેશિયરનું પ્રમોશન આપ્યું હતું. જોકે, આ વિશ્વાસ માલિકને ભારે પડ્યો. હેડ કેશિયરે ગ્રાહકોને વિવિધ આકર્ષક યોજનાઓની લાલચ આપી રૂપિયા 1.74 કરોડ મેળવ્યા. ત્યારબાદ 25.57 લાખના દાગીનાના બોગસ વાઉચર અને બિલ બનાવી કુલ રૂપિયા 1.99 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, નાનામવા મેઈન રોડ પર શાંકેત પાર્કમાં રહેતા અને રાજકોટ તથા જામનગરમાં અર્જુન જ્વેલર્સના શો રૂમ ધરાવતા મનીષભાઈ નથુભાઈ ઘાડીયાએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે શો રૂમના હેડ કેશિયર હિતેશ શૈલેષભાઈ પરમાર (રહે. બાલાજી હોલ, રાજકોટ; મૂળ વતન બોરસદ, તા. બોરસદ) વિરુદ્ધ ઉચાપતનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદ મુજબ, હિતેશ પરમારને 12 ઓગસ્ટ, 2022ના રોજ નાનામવા રોડ પર આવેલા અર્જુન જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડના શો રૂમમાં કેશિયર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી વધુ સમય સુધી નોકરી પર રહ્યા બાદ, કંપનીના નિયમ મુજબ તેને અનુભવના આધારે કેશિયરના હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ 26 ડિસેમ્બર, 2024ના રોજ તેની બદલી મવડી રોડ પર આવેલા અર્જુન જ્વેલર્સમાં કેશિયર હેડ તરીકે કરવામાં આવી હતી. કંપનીની જરૂરિયાત મુજબ તે જુદી જુદી બ્રાન્ચમાં કાર્યભાર સંભાળતો હતો. પોતાના વાકચાતુર્યથી તેણે ગ્રાહકોનો વિશ્વાસ જીતી લીધો હતો અને કંપનીના મોબાઈલ ફોનમાંથી સીધા ગ્રાહકોનો સંપર્ક કરીને તેમને પણ વિશ્વાસમાં લીધા હતા.
આ પણ વાંચો
તારીખ 17 જુલાઈ, 2025ના રોજ અર્જુન જ્વેલર્સે જામનગરમાં પણ નવી બ્રાન્ચ ખોલી હતી અને હિતેશ પરમારને ત્યાં કેશિયર તરીકે ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ તેને વિશ્વાસુ વ્યક્તિ તરીકે સંપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. જોકે, તેની ગેરવર્તણૂકને કારણે આખરે 05 ઓગસ્ટ, 2025ના રોજ તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો.
હિતેશ પરમારને નોકરીમાંથી છૂટો કર્યાના એક અઠવાડિયા બાદ, મવડી ખાતે આવેલા અર્જુન જ્વેલર્સના શો રૂમ પર ગ્રાહકો વારાફરતી આવવા લાગ્યા. તેમણે જણાવ્યું કે હિતેશ પરમારે આપેલી જુદી જુદી યોજનાઓમાં તેમણે નાણાં રોક્યા હતા. આમ, બોગસ વાઉચર અને બિલ બનાવીને હિતેશે ગ્રાહકો તેમજ અર્જુન જ્વેલર્સ શો રૂમ સાથે કુલ રૂપિયા 1,99,67,800ની છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તાલુકા પોલીસે આ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
