Amit Khunt Suicide Case: રાજકોટના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ પંથકના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ તેમને શરતી જામીન મંજૂર કર્યા હતા. આ જામીન રદ કરવાની માગ સાથે મૂળ ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતે ફરિયાદ પક્ષની અરજી ફગાવી દેતાં હાઈકોર્ટનો જામીન આદેશ યથાવત્ રાખ્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોના વકીલોએ પોતાની દલીલો રજૂ કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના જામીનના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી જામીનની રાહત યથાવત્ રહી છે. બીજી તરફ, જામીન રદ કરવાની માગ કરી રહેલા ફરિયાદ પક્ષને કાનૂની ઝટકો લાગ્યો છે. રીબડા જૂથ અને ગોંડલ પંથકના રાજકારણ સાથે સંકળાયેલા આ સંવેદનશીલ કેસ પર સૌરાષ્ટ્રભરમાં લોકોની નજર રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો
શું છે અમિત ખૂંટ કેસ?
મળતી માહિતી અનુસાર, મે-2025 દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં અમિત ખૂંટ નામના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના બાદ મૃતકના ખિસ્સામાંથી ચાર સુસાઇડ નોટ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સુસાઇડ નોટના આધારે મૃતકના ભાઈ મનીષ ખૂંટે રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને બે વકીલો સહિતના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સ્યુસાઈડ નોટમાં આ
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગામમાં જમીનના સોદા અને જમીન હડપ કરવાના મુદ્દે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન અમિત ખૂંટ અને આરોપીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદને લઈને અમિત ખૂંટે હુમલા અંગે પણ કેસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ પક્ષના આક્ષેપ મુજબ, જૂની અદાવતને કારણે ષડયંત્ર રચીને સગીરા મારફતે અમિત ખૂંટ સામે દુષ્કર્મનો ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે માનસિક ત્રાસ અને બ્લેકમેઇલિંગથી કંટાળીને અમિત ખૂંટે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને કેસમાં બે વકીલો સહિતના આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જામીન યથાવત્
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી શરતી જામીનની રાહતને સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખતાં હાલ પૂરતી તેમની સામેની જામીન રદ કરવાની માગને ફગાવી દેવામાં આવી છે. જોકે, આ નિર્ણયને કેસના તમામ આક્ષેપો અંગેનો અંતિમ ચુકાદો માનવો નહીં. કેસની કાનૂની કાર્યવાહી અને તપાસ સંબંધિત અન્ય પાસાં અલગ છે.
