રાજકોટના હિરાસર એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, ટેકઓફ વખતે પક્ષી અથડાતાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની વોર્નિંગ (ચેતવણી) મળી ગઈ હતી. હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 09 Jun 2026 11:52 AM (IST)Updated: Tue, 09 Jun 2026 11:52 AM (IST)
rajkot-news-air-india-flight-makes-emergency-landing-following-bird-strike

Rajkot News: રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર આજે એક મોટી વિમાન દુર્ઘટના થતાં થતાં અટકી ગઈ હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસન અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા

મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન રનવે પરથી હવામાં ફંટાયું કે તુરંત જ એક પક્ષી સીધું એન્જિનના પંખા સાથે અથડાયું હતું. પક્ષી ખૂબ જ સ્પીડમાં અથડાવાને કારણે વિમાનના એન્જિન ફેનની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની વોર્નિંગ (ચેતવણી) મળી ગઈ હતી. હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

વૈકલ્પિક વ્યવસ્થાની તજવીજ હાથ ધરાઈ

પરંતુ પાયલોટે જરાય ગભરાયા વિના સમયસૂચકતા વાપરીને વિમાન પર કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ નો સંપર્ક કરીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લીધું હતું. પાયલોટની આ ત્વરિત કામગીરીના કારણે મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી.પ્રાથમિક તપાસમાં એર ઈન્ડિયાના વિમાનના પંખા (એન્જિન ફેન બ્લેડ) વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાની વિગતો એન્જિનિયરો દ્વારા સામે આવી છે. હાલ વિમાનને ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે અને તેનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે એરલાઇન્સ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.