Rajkot: નવા કાયદાની અસર! ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપાયેલા 8 'ખેલી'ઓને જેલમાં ધકેલાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jul 2024 04:23 PM (IST)Updated: Sat, 27 Jul 2024 04:23 PM (IST)
rajkot-news-8-gamblers-held-sent-to-the-jail

Rajkot: જુગારીનો મુખ્ય ધ્યેય રાતોરાત પૈસાદાર બનવાનો હોય છે. આમ જુગાર પૈસાને પ્રેમ કરવાનું ઉત્તેજન આપે છે. શાસ્ત્રમાં જુગારને પણ એક વ્યસન તરીકે ગણવામાં આવ્યું છે.તેનો જુગટું અર્થાત્ દ્યુતક્રીડા તરીકે ઉલ્લેખ કર્યો છે.અમુક ઉંમર સુધી જીવનમાં સાત્ત્વિક રમતગમત જરૂરી છે, પણ જ્યારે માણસ પોતાના જીવનની મૂડી સાથે રમત રમે છે, ત્યારે તે રમત ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. જુગારી માણસનો સમાજમાં કોઈ વિશ્વાસ પણ કરતું નથી. આવું તન, મન અને ધનને પાયમાલ કરનારું વ્યસન એટલે જુગાર.

ગઈકાલે રાજકોટ નજીકના બેડી ગામથી હડમતિયા જવાના રસ્તા પર ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ પાસે સરકારી ખરાબામાં ધમધમતી ઘોડીપાસાની ક્લબ પર એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી. બોરીસાગર,સતુભા જાડેજા, વિજેન્દ્રસિંહ અને ટીમે દરોડો પાડી 8 શખ્સોને ઝડપી લીધા હતા.

આ 8 શખ્સોમાંથી 7 શખ્સો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોવાથી ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કલમ 112(સંગઠિત ગુનો)નો ઉમેરો પોલીસે કર્યો હતો. જેને કારણે જુગારના કેસમાં પ્રથમ વખત આઠેય આરોપીઓને અદાલતે જામીન નહીં આપી જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. ઘોડીપાસાની આ ક્લબ ગુજસીટોકમાં જામીન પર છૂટેલો ભીસ્તીવાડનો નામચીન એજાઝ ઉર્ફે ટકો અકબર ખીયાણી ચલાવતો હતો.

આ જુગાર પકડાયા બાદ નવા કાયદા હેઠળ રાજકોટ શહેર પોલીસના સીપી બ્રજેશ ઝા,જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ઝોન-2 જગદીશ બંગારવાના સૂચનાથી એલસીબીના પીએસઆઈ બી.વી.બોરીસાગર અને ટીમે જુગારની કલમ બાદ નવા કાયદાની કલમનો ઉમેરો કરી જુગારીઓને જેલનો રસ્તો બતાવ્યો હતો. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા કાયદાની અસર! મેસેજ મૂકી ટ્વીટ કર્યું હતું અને રાજકોટ પોલીસને તેમની કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.

ગુજરાત રાજ્યમાં રાજકોટમાં પ્રથમ વખત જુગારના ગુનામાં જુગારીઓને ટેબલ જામીન નહીં આપી જેલ હવાલે કરવામાં આવતા હવે સૌરાષ્ટ્રભરમાં શ્રાવણીયો જુગાર રમવાનું વિચારી રહેલા કેટલાક જુગાર કલબ સંચાલકો તેમજ સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓમાં હવે એવો ભય ફેલાયો છે કે, હવે જુગાર રમવા બેસ્યા તો જામીન નહીં મળે અને જેલમાં જવું પડશે તો?

જોકે પોલીસે આ બારામાં ડીસીપી જગદીશ બંગારવા જણાવ્યું હતું કે,ઘોડીપાસાની જુગાર કલબ પકડાઈ તેમાં તમામ આરોપીઓ હિસ્ટ્રીશીટર છે અને એકથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોય જેથી તેઓ સામે નવા કાયદાની કલમ 112નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.