Rajkot Crime News: રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાણીતા બુલિયન વેપારીએ અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાનું સોનું અને રોકડ રકમ ઓળવી લીધી છે. મારૂતિ જવેલર્સ નામની પેઢી ચલાવતા વેપારી હસમુખ લોઢિયા સામે છેતરપિંડીના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, સોની બજારની જુની ગધીવાડ શેરીમાં આવેલ ક્રિષ્ના ચેમ્બર્સમાં ’રમેશચંદ્ર એન્ડ સન્સ’ નામની પેઢી ધરાવતા અને છેલ્લા 15 વર્ષથી સોનીકામ કરતા જતીનભાઈ ઉર્ફે કાનાભાઈ રમેશભાઈ પાટડીયાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે સોની બજાર ગઢની રાંગની શેરીમાં ’મારૂતી જવેલર્સ’ નામની પેઢી ચલાવતા બુલિયન વેપારી હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતીલાલ લોઢિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ આરોપી હસમુખભાઈ લોઢિયાને છેલ્લા દોઢ-બે વર્ષથી ઓળખતા હતા અને તેમની સાથે કમિશનથી વેપાર કરતા હતા. આ દરમિયાન આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી લીધોહતો. ગત 26 ઓક્ટોબરના રોજ આરોપીએફરિયાદીને ફોન કરીને સોનાની માંગણી કરી અને પોના માણસને સોનું સોંપવા જણાવ્યું હતું. તે માણસ વિજય મેણંદભાઈ કુગસીયાએ ફરિયાદી પાસેથી કટકે-કટકે કુલ 4 કિલો ફાઈન સોનું મેળવ્યું હતું.
આ ઉપરાંત, આરોપીના જણાવ્યા મુજબ બાકીનું 1 કિલો સોનું ફરિયાદીએ ’પાર્થ ગોલ્ડ’ પેઢીના માલિક હિરેનભાઈ પાટડીયાને સુપરત કર્યું હતું. આમ, આરોપીએ એક જ દિવસમાં ફરિયાદી પાસેથી કુલ 5 કિલો ફાઇન સોનું મેળવી લીધું હતું, જેની હાલની બજાર કિંમત આશરે રૂ. 7.25 કરોડ છે. બજારના નિયમો મુજબ આ સોનું 24 કલાકમાં પરત કરવાનું હતું.
આરોપીની છેતરપિંડી માત્ર મુખ્ય ફરિયાદી પૂરતી મર્યાદિત નહોતી. સોની બજારના અન્ય ત્રણ વેપારીઓ પણ આ ઠગાઈનો ભોગ બન્યા, જેમણે સોનું ખરીદવા માટે આરોપીની પેઢી ’મારૂતિ જવેલર્સ’ ના બેંક ખાતામાં છઝૠજ અને ગઊઋઝ મારફતે લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેમાં ભુપેન્દ્ર રોડ પર ’ઓમ ગોલ્ડ’ નામની દુકાન ધરાવતા નિલેશભાઈ માંડલીયાએ 200 ગ્રામ 24 કેરેટ ફાઈન સોનું લેવા માટે રૂ. 29,05,177 ચૂકવ્યા હતા.
પેલેસ રોડ પર ’મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ’ પેઢીના માલિક મનોજકુમાર મથુરાદાસ ધોળકીયાએ 100 ગ્રામ સોનાના બિસ્કીટ લેવા માટે રૂ 14,55,500 ચૂકવ્યા હતા. જ્યારે સોની બજારમાં ’માધવ ઓર્નામેન્ટ્સ’ ધરાવતા હિતેશભાઈ ત્રીકમભાઈ માંડલીયાએ 60 ગ્રામ ફાઇન સોનું લેવા માટે રૂ. 8,73,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ ત્રણેય વેપારી પાસેથી પૈસા પડાવી લીધા બાદ તેમને સોનું આપ્યું નહોતું અને વિશ્વાસઘાત કર્યો હતો.
તારીખ 27 ઓક્ટોબર 2026 ના રોજ ફરિયાદીએ સોનું પરત મેળવવા આરોપીનો સંપર્ક સાધ્યો ત્યારે આરોપીએ સાંજના પાંચ વાગ્યા સુધીમાં સોનું પહોંચાડી દેવાની ખોટી ખાતરી આપી હતી. જોકે, સાડા છ વાગ્યા પછી આરોપીએ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ફરિયાદીએ આરોપીના રેસકોર્સ રીંગ રોડ પાછળ આવેલા કલ્યાણ પાર્ક સ્થિત નિવાસ્થાને જઈ તપાસ કરતા તેના પિતા હાજર મળ્યા, પરંતુ તેમને આ અંગે કોઈ જ માહિતી નહોતી. સોની બજારમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી અન્ય વેપારીઓના પૈસા અને સોનું લઈને નાસી છૂટ્યો છે. આ કૌભાંડની કુલ રકમ રૂ. 7,77,33,677 થાય છે.
