Rajkot Ganesh Utsav:શ્રાવણ માસ પૂરો થતાં જ આજથી વિઘ્નહર્તા ગણપતિ દાદાનું ભાવપૂર્ણ આગમન થયું હતું. રાજકોટમાં વિવિધ જાહેર પંડાલોમાં આજે વાજતે ગાજતે બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ભક્તોએ બેન્ડવાજા અને ઢોલ નગારા સાથે બાપાને વધાવ્યા હતા. આ ઉપરાંત અનેક ભક્તોએ પોતાના ઘરે પણ વિઘ્નહર્તાનું સ્થાપન કર્યું હતું. આજથી રાજકોટ ગણપતિમય બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો 3 થી 11 દિવસ માટે બાપાના ગુણગાન ગાઇ ભક્તિ કરશે અને ત્યારબાદ ભાવભરી વિદાય આપશે
રાજકોટ શહેરમાં મુખ્ય ચોક, શાળા કોલેજ, એપાર્ટમેન્ટ, અને સોસાયટીમાં મળી 5000 જેટલા નાના મોટા ગણપતિનું સ્થાપન કરી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજક જીમી અડવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે આ વખતે 28માં વર્ષે ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણપતિ મહોત્સવમાં 30 ફૂટ આડો અને 30 ફૂટ લાંબો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપતિ દાદાની 8 ફૂટની મૂર્તિ મુકવામાં આવી છે અને મૂર્તિમાં આ વખતે અગ્નિપથ સ્વરૂપમાં ગણેશજીની અદભૂત મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેના એક હાથમાં ત્રિશુલ છે જે અનિષ્ટોનો નાશ કરશે અને બીજા હાથમાં મશાલ છે અંધકારનો નાશ કરશે. સવારે 10.30 વાગ્યે ઢોલ નગારાના તાલે સ્થાપન કરવામાં આવી છે.
ગણેશ પંડાલનો રૂ.1 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. અહીં ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. અહીં ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, રાસ ગરબાનું, શ્રીનાથજી ઝાંખી, અને આરોગ્ય નિદાન કેમ્પ પણ યોજાશે. ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ સમિતિની 20 જેટલા યુવાનોની ટીમ ખડેપગે રહેશે.
