Rajkot Diwali Carnival 2026: દિવાળી પર્વને આનંદમય, રંગીન અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 6 નવેમ્બરથી 8 નવેમ્બર, 2026 દરમિયાન ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન રોશની, સ્વાદિષ્ટ વાનગીઓ, સંગીત, રંગોળી સ્પર્ધા, ભવ્ય આતશબાજી, લેસર શો અને છ ફ્લોટ સાથેનો ટેબ્લો કાર્નિવલ સહિતના વિવિધ આકર્ષણો રાજકોટવાસીઓને ઉત્સવનો અનોખો અનુભવ કરાવશે.
ધનતેરસથી દિવાળી કાર્નિવલનો શુભારંભ
દિવાળી પ્રકાશ, ખુશી, એકતા અને નવી આશાઓનો પર્વ છે, ત્યારે આ પરંપરાગત તહેવારને આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જોડીને નાગરિકો પરિવારજનો અને મિત્રો સાથે ઉત્સવની ખુશીઓ માણી શકે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનો શુભારંભ 6 નવેમ્બર, શુક્રવારના રોજ ધનતેરસના દિવસે સાંજે 6 વાગ્યે રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક રોશનીના પ્રારંભ સાથે થશે.
રંગબેરંગી લાઈટિંગથી સજ્જ રેસકોર્સ વિસ્તાર દિવાળીના ઉત્સવ દરમિયાન નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રોશનીથી ઝળહળતા રસ્તાઓ વચ્ચે રાજકોટવાસીઓને પરિવારજનો તથા મિત્રો સાથે દિવાળીની યાદગાર પળો માણવાની તક મળશે. શહેરની સુંદરતામાં વધારો કરવા અને તહેવાર દરમિયાન આનંદમય વાતાવરણ ઊભું કરવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્ય આતશબાજી અને આધુનિક લેસર શો
દિવાળી કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય આતશબાજી અને આધુનિક લેસર શોનો પણ સામેલ છે. 6 નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે 7 વાગ્યે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે. આકાશમાં આતશબાજીના નયનરમ્ય નજારો અને લેસર શોની આકર્ષક રજૂઆત દિવાળીના ઉત્સવમાં વિશેષ રંગ પૂરશે. પ્રકાશ અને રંગોના સમન્વયથી નાગરિકોને યાદગાર અનુભવ મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળીના ઉત્સવને કલાત્મકતા અને સર્જનાત્મકતાથી રંગીન બનાવવા 7 નવેમ્બર, શનિવાર કાળી ચૌદસ નિમિત્તે રેસકોર્સ રિંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સાથે છ ફ્લોટ ધરાવતા ટેબ્લો કાર્નિવલનું પણ ઉદ્ઘાટન થશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે આ કાર્યક્રમોમાં સહભાગી બની દિવાળીના પર્વની ખુશીઓ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજકોટ દિવાળી કાર્નિવલ 2026 હાઈલાઈટ્સ
6 નવેમ્બર, શુક્રવાર (ધનતેરસ)
- સાંજે 6:00 કલાકે રેસકોર્સ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ.
- સાંજે 6:00 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ (પાંચ દિવસ ચાલશે)
- સાંજે 7:00 કલાકે ભવ્ય આતશબાજી અને લેસર શો.
7 નવેમ્બર, શનિવાર (કાળી ચૌદસ)
- રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન
- ટેબ્લો કાર્નિવલ 7 અને 8 નવેમ્બર, 2026 એમ બે દિવસ સુધી યોજાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા સંયુક્ત યાદીમાં આ અંગેની વિગતો આપવામાં આવી હતી.
