Rajkot: પોલીસ પેટ્રોલિંગના દાવા છતાં રાજકોટમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. વધતા જતાં ક્રાઈમને ડામવા માટે પોલીસ કમિશનરે રાતે 12 પછી પાનના ગલ્લા અને હોટલો બંધ કરાવવાનો હુકમ કર્યો છે, ત્યારે આજે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પારિવારીક ઝઘડામાં પુત્રએ જ પોતાના પિતાની ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજનનગર આવાસમાં રહેતા કલ્પેશ વ્યાસની કોઈ પારિવારિક બાબતે પુત્ર ઋષભ વ્યાસ સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા આવેશમાં આવેલા પુત્ર ઋષભે પિતા કલ્પેશ પર હીચકારો હુમલો કર્યો હતો.
પુત્રના હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. પિતાની હત્યા કર્યા બાદ હત્યારો પુત્ર ઘટના સ્થળ છોડીને ભાગી ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ગુરુજનનગર આવાસ ખાતે બનાવના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પંચનામું કર્યાં બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ફરાર થઈ ગયેલા પુત્રની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસે ગણતરીના કલાકમાં હત્યારા પુત્ર ઋષભ વ્યાજને ઝડપી પાડ્યો છે. હાલ તો પોલીસે પુત્રની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
