OPEN IN APP

રાજકોટ મનપાનું 30મીએ બજેટ, લાંબાગાળાના પ્રોજેક્ટનો સમાવેશ નહીં થાય; પાણી અને મિલ્કત વેરો વધવાની સંભાવના

By: Sanket Parekh   |   Mon 23 Jan 2023 07:08 PM (IST)
rajkot-corporation-budget-on-30th-january-82014

રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ 2023-24ની તૈયારીઓ 1 માસથી શરૂ કરી દેવામાં છે. આગામી તા. 30મીના રોજ સૂચિત બજેટ રજૂ કરવામાં આવશે. ચાલુ વર્ષે રૂ. 2,334 કરોડનું બજેટ રજૂ કરવામા આવેલ, પરંતુ રેવન્યુ અને કેપિટલ આવકમાં ગાબડું નોંધાતા તેમજ આ વર્ષે બજેટમાં દર્શાવેલ મોટાભાગના કામો શરૂ ન થતા અથવા 30 ટકા કામગીરી પણ પૂર્ણ ન થવાથી હવે 3 વર્ષની અથવા પંચવર્ષિય પ્રોજેક્ટોની બાદબાકી બજેટમાં કરવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

30મીએ કમિશનર દ્વારા સૂચિત બજેટ રજૂ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમિટિમાં ચર્ચા માટે મૂકવામાં આવશે. જે બાદ બજેટને બોર્ડમાં મંજૂરી આપવામાં આવશે. આ વખતે પણ પાણીવેરો અને મિલ્કત વેરામાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે.

મહાનગરપાલિકાના કમિશનર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ચાલુ વર્ષે રજૂ થયેલ બજેટમાં મોટી ખાધ જોવા મળી છે. અનેક પ્રોજેક્ટ શરૂ થયા નથી અથવા અધૂરા રહી ગયા છે. તેમજ આવકમાં પણ મોટુ ગાબડું જોવા મળ્યું છે. દર વર્ષે બજેટમાં ત્રણ વર્ષીય અને પંચ વર્ષિય પ્રોજેક્ટની યોજનાઓ રજૂ કરવામાં આવે છે. જો કે પ્રોજેક્ટમાં દર વર્ષે ઉમેરવામાં આવતા ખર્ચમાં લોનની રકમની ગણતરી કરવામાં આવતી નથી, પરિણામે 10 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થતા સુધીમાં 30 ટકા વધારો થઈ જાય છે. જેનો માર કોર્પોરેશનની તેજુરી ઉપર આવતો હોય છે.

રો મટિરિયલમાં દર વર્ષે થતા ભાવવધારાના કારણે લાંબા ગાળાના પ્રોજેક્ટમાં સરકાર ગ્રાન્ટ મળ્યા બાદ ભાવ વધારાનો માર મહાનગરપાલિકાએ સહન કરવો પડેછે. પરિણામે આવર્ષે નવા બજેટમાં આ પ્રકારના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં નહીં આવે તેવી જ રીતે પીવાના પાણીનું વિતરણ કરવામાં પણ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જેની સામે પાણીવેરા પેટે મામૂલી રકમ મળતી હોય છે.

પાણી વેરો 840 ની જગ્યાએ 1260 કરવાની દરખાસ્ત તૈયાર કરાશે તેવી જ રીતે હાલમાં કાર્પેટ એરિયા આધારિત મિલ્કત વેરો રહેણાકમાં 11 અને કોમર્શિયલમાં રૂા. 12 લેવામાં આવી રહ્યો છે. જે બીજા મહાનગરપાલિકાની તુલનાએ ઓછો હોવાથી મિલ્કત વેરામાં પણ નજીવો વધારો કરવાનો સુચન કરવામાં આવનાર છે. આથી આ વર્ષે વેરાનું કદ ઓછુ રહેવાની સંભાવના જોવાઈ રહી છે.

મહાનગરપાલકાના ચાલુ વર્ષના રૂા. 2334 કરોડના બજેટમાં રેવન્યુમાં 800 કરોડ, કેપિટલમાં 498 કરોડ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગ્રાન્ટના 968 કરોડ સહિત 2268 કરોડનો લક્ષાંક રાખવામાં આવ્યો છે. તેની સામે મહાનગરપાલિકાની રેવન્યું અને કેપિટલ આવક રૂ. 600 કરોડ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટના 455 કરોડ મળી 110 કરોડની આવક થવા પામી છે. જેથી અનેક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે. વેરાવિભાગમાં પણ આજની તારીખે 104 કરોડનું ગાબડું જોવા મળી રહ્યું છે. જેથી નવું બજેટનું કદ ઘટાડવામાં આવશે.

આંબા આંબલી નહીં દેખાડાય
મહાનગરપાલિકાનું 2023-24નું બજેટ આગામી 30 જાન્યુઆરીના રોજ રજૂ થનાર છે. બજેટમાં આ વખતે કદ ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેની સાથે હવે લાંબા ગાળાના પ્રોજેક્ટો તેમજ માત્ર કાગળ ઉપર રહી જતી અન્ય કામગીરીઓ બજેટમાં બતાવવામા નહીં આવે. જ્યારે રોડ-રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની લોકોને રોજિંદા ઉપયોગની સેવાઓ ઉપર વધુ ધ્યાન આપી તે કામ માટે રકમ વધુ ફાળવવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

લોકો પાસેથી ઓનલાઈન સૂચનો મગાવતા કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્રમાં લોકોની અપેક્ષાઓનું યોગ્ય પ્રતિબિંબ ઝીલાય, શહેરનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તેમજ મ્યુનિ. તંત્રની આર્થિક સ્થિતિ વધુ મજબુત થાય તેવા ઉમદા અને પ્રગતિશીલ આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટના નાગરિકો પાસેથી બજેટ માટે સુચનો આમંત્રિત કર્યા છે.

મ્યુનિ. કમિશનરે બજેટ 2023-24 માટે શહેરના વિકાસને વેગવાન બનાવવા તેમજ લોકોના સ્થાનિક પ્રશ્નોને વાંચા મળી રહે તે માટે સુચનો આપવા અનુરોધ કરતા એમ જણાવ્યું કે, મ્યુનિ. કોર્પોરેશને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકેની અતિ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની થતી હોઈ તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્ય પડઘો પડે તે ખુબ જ આવકારદાયક બની રહેશે.

લોકો મહાનગરપાલિકા પાસેથી કેવી કેવી અપેક્ષા રાખે છે? તે વિશે પણ નાગરિકોએ તંત્રને પોતાના બહુમૂલ્ય સૂચનો મોકલવા જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ યોગ્ય સ્તરે જળવાઈ રહે અને શક્ય હોય ત્યાં સુધી વધુ મજબુત બને તે માટે કરમાળખા સહિતના નાણાંકીય આયોજનમાં કેવા કેવા પગલા લઈ શકાય તે વિશે પણ લોકોએ સુચન કરવા જોઈએ. નાગરિકોએ પોતાના સુચનો તા. 28-01-2023 સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in/FormBudgetSuggestions પર જઈને સૂચનો આપી શકશે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.