New Year 2026 Celebration In Rajkot:નવા વર્ષ 2026ના આગમન અને 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજનને લઈને રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડીને મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
જેમાં ફટાકડા માત્ર ૩૧/૧૨/૨૦૨૫ ના રાત્રે 11:55 થી 1/1/2026 ના રાત્રીના 12:30 સુધી જ ફોડી શકાશે. જાહેર રોડ કે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.તેમજ જાહેર માર્ગો પર બેફામ બાઈક ચલાવવા, સ્ટંટ કરવા, ફોર વ્હીલરના બોનેટ કે ડીકી પર બેસવા પર મનાઈ છે. મોટા અવાજે હોર્ન, વ્હીસલ કે પિપુંડા વગાડવા પર પણ પ્રતિબંધ છે.તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાહેર રોડ પર મોટા અવાજે માઈક કે મ્યુઝિક વગાડવા અને એકબીજા પર પાણી ઉડાડવા સામે મનાઈ છે.કોઈપણ પ્રકારના પ્રતિબંધિત માદક પદાર્થોનું વેચાણ કે સેવન સખત મનાઈ ફરમાવવામાં આવી છે
પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને મોલના ગેટ પર નાઈટ વિઝન CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. પાર્કિંગ સ્થળોએ ખાનગી સિક્યુરિટી અને CCTV હોવા અનિવાર્ય છે.કોઈપણ કાર્યક્રમ યોજતા પહેલા પોલીસ કમિશ્નર કચેરીની લાયસન્સ શાખામાંથી મંજૂરી લેવી જરૂરી છે.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 અને ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
