Rajkot News: રાજકોટ શહેરમાં આવેલી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અવાર - નવાર દર્દીઓ દ્વારા તબીબો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહી છે. ત્યારે ગઇકાલે વધુ એક તબીબ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમજેવાય બિલ્ડિંગમાં ન્યુરો વિભાગમાં સારવાર લઇ રહેલા દર્દી માટેના બ્લડને લઇને તેમના સગાએ તબીબ સાથે માથાકૂટ કરી બેફામ મારમારતા તબીબ ઘવાયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
આ ઘટનાથી તબીબી આલમમાં રોષ છવાયો છે અને જેને લઇ તબીબો દ્વારા આજે સાંજે મેડિકલ કોલેજ ખાતે દેખાવો કરવા હોવાનુ પણ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
વધુ વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં પીએમજેવાય બિલ્ડિંગમાં આવેલા ન્યુરો વિભાગમાં છેલ્લા બે વર્ષથી તબીબી સેવા આપતા ન્યુરો સર્જન પાર્થ પંડ્યા ગઇકાલે રાત્રીના સમયે પોતાની ફરજ પર હતા ત્યારે ત્યા દાખલ નેપાળી દર્દી કે જેઓ નોવા હોટલમાં નોકરી કરતા હોય તેમનુ અકસ્માત થતા તેમને સારવાર માટે પીએમજેવાય બિલ્ડિંગમાં સારવાર માટે ખસેડાયા હતા. જયા તેમની સારવાર ચાલુ હતી તે દરમિયાન દર્દીને બ્લડની જરૂરીયાત ઉભી થતા તબીબે દર્દી માટે બ્લડ લેવા જવાનુ કહ્યુ હતું.બ્લડને લઇને ડોક્ટર પાર્થ પંડ્યા અને દર્દી સાથે આવેલા જયદીપ ચાવડા વચ્ચે વાતચીત થયા બાદ જયદીપ ઉશ્કેરાઇ ગયો હતો અને પાર્થ પંડ્યા સાથે ગેરવર્તન કર્યુ હતું.
ત્યારબાદ જયદીપ ઉશ્કેરાય અને પાર્થને ઢોર માર માર્યો હતો જેને લઇ વોર્ડમા હાજર અન્ય તબીબ અને નર્સિગ સ્ટાફ એકઠા થઇ ગયા હતા અને ડોક્ટર પાર્થ પંડ્યાને વધુ મારમાથી છોડાવ્યા હતા. ત્યારબાદ પાર્થને ઇજા થતા તેમને પણ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઘટનાની જાણ થતા અન્ય તબીબોમાં પણ રોષ ફેલાયો હતો.
હાલ તબીબી સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે, અવાર-નવાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા દ્વારા તબીબો સાથે માથાકૂટની ઘટના બનતી રહે છે અને નિર્દોષ તબીબો જેનો ભોગ બની રહ્યા છે. જેને લઇ સાંજના સમયે સિવિલ હોસ્પિટલના રેસીડેન્ડ તબીબો મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ મેડિકલ કોલેજના ડીનને મળી આ મામલે કડક કાર્યવાહી કરી અને આવા બનાવો થતા અટકે તેના માટેનુ નિરાકરણ લાવે તેવી રજૂઆત સાથે દેખાવો કરવામાં આવશે.
