Groundnut Crop damage: હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હોવાની સ્થિતિ સામે આવી છે. કમોસમી વરસાદને કારણે યાર્ડમાં ખુલ્લામાં પડેલો મગફળીનો મોટો જથ્થો પલળી જતાં ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. વરસાદના કારણે મગફળીનો જથ્થો પલટી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વરસાદમાં મગફળીનો જથ્થો પલળ્યો
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહીને પગલે ખેડૂતો અને વેપારીઓ પહેલેથી જ ચિંતિત હતા. તેમ છતાં જેતપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળીને વરસાદથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા વરસાદી પાણીના કારણે મગફળીનો મોટો જથ્થો પલળી ગયો હતો.
ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું
ખેડૂતો દિવસ-રાત મહેનત કરીને પોતાના ખેતરમાં પાક તૈયાર કરે છે અને ત્યારબાદ સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડ સુધી પોતાની જણસ લઈને પહોંચે છે. પરંતુ યાર્ડમાં જ પાકને સુરક્ષિત રાખવાની વ્યવસ્થાના અભાવે મગફળી પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની સ્થિતિ સર્જાઈ છે. મગફળી પલળવાથી તેની ગુણવત્તા અને બજારભાવ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
માર્કેટ યાર્ડની કામગીરી પર સવાલ!
આ ઘટનાને પગલે હવે જેતપુર માર્કેટ યાર્ડના સત્તાધીશોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા અગાઉથી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળીને સુરક્ષિત રાખવા માટે તાડપત્રી સહિતની જરૂરી વ્યવસ્થા કેમ કરવામાં આવી નહીં? ખેડૂતો અને વેપારીઓની જણસને વરસાદથી બચાવવા માટે યાર્ડ તંત્ર દ્વારા આગોતરાં પગલાં કેમ લેવામાં ન આવ્યાં? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ખેડૂતોને યોગ્ય સહાય મળે તેવી માંગ
હાલમાં આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતો અને વેપારીઓ વધુ ચિંતામાં મુકાયા છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ વરસશે તો યાર્ડમાં પડેલા અન્ય કૃષિ જથ્થાને પણ નુકસાન થવાની શક્યતા છે. ત્યારે યાર્ડ સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય વ્યવસ્થા કરી ખુલ્લામાં પડેલી જણસને સુરક્ષિત રાખવામાં આવે અને નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને યોગ્ય સહાય કે રાહત મળે તેવી માંગ ઊઠી રહી છે.
