રાજકોટ સહિત રાજયમાં લેભાગુ તત્વો દ્વારા નકલી બિયારણ ધાબડવાનો ધીકતો ધંધો કરવામાં આવી રહ્યો છે. આવા લેભાગુ તત્વો સામે અને નકલી બિયારણના થતા કેસોનો ઝડપી નિકાલ કરી ખેડૂતોને ઝડપથી ન્યાય મળે તે માટે ફાસ્ટટેક કોર્ટ શરૂ કરવાની સરકાર દ્વારા વિચારણા ચાલી રહી હોવાનું કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે.
રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં નકલી બિયારણની ફરીયાદો વધી રહી છે અને પોલીસમાં કેસ નોંધાઇ રહ્યા છે. આ કેસો લાંબા ચાલે છે અને તેનો નિવેડો કયારે આવે તે નકકી હોતુ નથી. જેથી નકલી બિયારણના થતા કેસના ઝડપી નિવારણ માટે એક ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવામાં આવે તેવી વિચારણા રાજય સરકાર દ્વારા ચાલી રહી છે અને ટુંક સમયમાં કોર્ટ શરૂ થાય તે માટે સરકાર કટીબધ્ધ છે.
વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે નકલી બિયારણને બજારમાં આવતું રોકવા માટે ખેડુત અને સરકારે વધારે જાગૃત થવાની જરૂર છે અને આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સરકાર કટીબધ્ધ છે. ખેડૂતોએ પણ સાવચેત રહેવાની અને બિયારણ ખરીદી વખતે પાકકી પહોંચ મેળવી લેવાનો આગ્રહ રાખવો જોઇએ.પાકકી પહોંચ લેવાથી 60 થી 70 ટકા પ્રશ્ન હલ થઇ જશે. તેમજ આવા કોઇ કેસ આવે તો તુરત સરકારને જાણ કરે જેથી તાત્કાલીક યોગ્ય કાર્યવાહી થઇ શકે. અમારી નેમ છે નકલી બિયારણનો ધંધો બંધ કરાવી અને ખેડૂતોને સારો પાક લેતા કરી સમૃધ્ધ બનાવવા.
વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગમાં થતા ફેરફારની અસર કૃષિ પેદાશો પર થઇ રહી છે. વાવાઝોડા, અતિશય વરસાદ, તાપ, ઠંડી, સુકુ વાતાવરણ જેવા કુદરતી આફતો સામે ખેતીની જમીનને કેમ સુરક્ષીત રાખી શકાય અને ખેડૂતોનું ઉત્પાદન વધી જમીનની ફળદ્રુપતા જળવાય રહે તે માટે રાજયની કૃષિ વિભાગના નિષ્ણાંતો દ્વારા સંશોધનની પ્રક્રિયા ચાલી રહી છે અને સમાંતરે ખેડૂતોને તેના વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
પત્રકાર પરીષદમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ સાથે સાંસદ રામભાઇ મોકરીયા, મેયર ડો.પ્રદિપભાઇ ડવ, શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ સહીતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.