રાજકોટના રૈયા રોડ પર કેરી લેવા ગયેલા રૈયાધારના પ્રૌઢને કેરીના ભાવ મુદ્દે ડખ્ખો થતા ધંધાર્થી સહિત ત્રણ શખ્સોએ ઝઘડો કરી આંખમાં ઢીકો મારી દેતા પ્રૌઢે રોશની ગુમાવી દીધી હતી. આ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોક પાસે આરએમસી કવાર્ટરમાં રહેતા અને સિકયુરિટી મેન તરીકે નોકરી કરતાં શાંતિભાઈ રતનસિંહ નકુમ (ઉ.53) નામના પ્રૌઢ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના દોહીત્ર રોહિતને વેકેશન હોવાથી ગઈકાલે તેઓ રોહિતને લઈ ગામમાં ફરવા નીકળ્યા હતાં.
દરમિયાન રૈયા રોડ પર સદગુરૂ કોમ્પલેક્ષ પાસે કેરી લેવા ઉભા રહ્યા હતા ત્યારે કેરીના ધંધાર્થીઓ બોકસનો ભાવ રૂા.700 કહેતા તેમણે રૂા.500માં માંગ્યા બાદ તેઓ આગળ જતાં ધંધાર્થી સહિત ત્રણ શખ્સોએ આવી રૂા.500માં બોક્ષ લઈ લો તેમ કહેતા તેમણે બોકસ ચેક કરીને લઈશ. તેમ જણાવતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર મારવા લાગ્યા હતાં.
દરમિયાન એક શખ્સે ડાબી આંખમાં ઢીકો મારી દેતા તેમને દેખાતુ બંધ થઈ ગયું હતું. બાદમાં પોલીસને બોલાવતાં ત્રણેય શખ્સો નાસી ગયા હતાં. બાદમાં પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે રોશની જતી રહ્યાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસહાથ ધરી છે.