ગોંડલ દેરડી(કુંભાજી)માર્ગ પર અકસ્માતને ઘટના સામે આવી હતી. મોટી સીલોરી અને દેરડી(કુંભાજી) વચ્ચે અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા છકડો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસરા, રાણસીકીના 50 વર્ષીય કિરણભાઈ વિકાણી શાકભાજી ભરેલો છકડો લઇને જઇ રહ્યાં હતા. જે દરમિયાન એક અજાણ્યા વાહને તેમના છકડાને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે છકડો પુલ પરથી 20 ફૂટ નીચે ખાબક્યો હતો. અકસ્માતની આ ઘટનામાં કિરણભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો અને વાહન ચાલકો એકઠા થયા હતા.
બનાવમાં ગંભીર રીતે ઘાયલ કિરણભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ગોંડલ પોલીસ પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.