Rajkot: રૂ.1400 કરોડના ખર્ચ નિર્માણ પામનાર હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પ્રથમ તબકકાનું રૂ.572 કરોડનું કામ પૂર્ણ થઇ ગયું છે. આગામી 1 ફેબ્રુઆરીએ 3 કિ.મીના રન-વે ઉપર સિક્સ સીટર ફલાઇટનું ટેસ્ટીંગ કરવામાં આવનાર છે. ટેસ્ટીંગ રીપોર્ટ ઓકે આવ્યા બાદ એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણની તૈયારી કલેકટર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ હિરાસર એરપોર્ટમાં બાંધકામનું કામ પૂર્વ કરી લેવામાં આવ્યું છે. અત્યારે ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, ડેકોરેટિવ એન્ટ્રી ગેટ, કોમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની કામગીરીને ફિનીશીંગ વર્ક કરવામાં આવી રહ્યું છે.
3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા હવે આગામી તા.1-2 ફેબ્રુઆરીએ ટેસ્ટીંગ ફલાઇટ શરૂ કરવામાં આવશે તે પછી અન્ય ફલાઇટનું ટેસ્ટીંગ કરવામાં આવશે. આગામી એક પખવાડિયામાં ડીજીસીઆઇ પાસે તમામ મંજૂરીની પક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું હોય કેન્દ્રીય સચિવ સહિતનો કાફલો ગઇકાલે રાજકોટ દોડી આવ્યો હતો. હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે મુલાકાત લીધી હતી. અને એરપોર્ટમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી.

બંસલ તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ રવિવારે સવારે હીરાસર ખાતે સૌથી પહેલાં રન-વે નિહાળ્યા બાદ એપ્રન એરીયા, એરપોર્ટમાં નિર્માણ પામી રહેલા બોક્સ કલવર્ટ, ટર્મિનલ, હાલમાં બનાવાયેલા ટેમ્પરરી ટર્મિનલ, ફાયર સ્ટેશન તેમજ હાઇવેથી એરપોર્ટને જોડતા રોડની કામગીરી રૂબરૂ નિહાળી હતી અને ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કલેક્ટર અરૂણ મહેશ બાબુ તેમજ એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધીએ એરપોર્ટની કામગીરીનો પ્રગતિ અહેવાલ આપ્યો હતો.
નેશનલ એરપોર્ટ ઓથોરિટી, ગુજરાત એરપોર્ટ ઓથોરિટી તેમજ હિરાસર એરપોર્ટના અધિકારીઓ, કોન્ટ્રાક્ટિંગ એજન્સી, જમીન સંપાદન વિભાગના અધિકારી, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સચિવ બંસલે સમીક્ષા બેઠક યોજી હતી. અને એરપોર્ટની કામગીરીની પ્રગતિ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ પ્રસંગે બંસલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે, તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. કારણ કે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે સીમાચિન્હરૂપ બનવાનો છે.
નોંધનીય છે કે, હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3 કિલોમીટરના રન-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એપ્રન, ટેક્સી વેય્ઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. રન-વે પર લેન્ડિંગ લાઇટ્સ લાગી ચુકી છે. તથા ફાયર સ્ટેશનની કામગીરી પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે.
90 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર એરપોર્ટ જવા માટે ખાસ દોઢ કિ.મી.નો ઓવરબ્રીજ બનાવવામાં આવશે. મુંબઇ એરપોર્ટ જેવા જ બ્રીજ પાછળ રૂ.90 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે.