Rajkot News: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા નોટિસો અપાયા બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે 1350 દબાણકર્તાઓનું હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પોતાના આધાર-પુરાવા સાથે કચેરીએ ઉમટ્યા હતા. મોટાભાગના લોકો પાસે લાઇટ બિલ અને વેરા બિલ સિવાય અન્ય કોઇ સરકારી પુરાવા રજૂ કર્યા ન હતા.
તંત્ર દ્વારા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ-અલગ દિવસોમાં લોકોને બોલાવવામાં આવ્યા છે જેમાં સોમવાર: 590 લોકો,મંગળવાર: 540 લોકો,બુધવાર: 260 લોકોને બોલાવવામાં આવ્યા છે. કુલ 1350 જેટલા દબાણકારો સુનાવણી શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસ દરમિયાન તમામના પુરાવા તપાસીને આગળની કાર્યવાહી થશે. જે લોકો પુરાવા રજૂ કરવામાં બાકી રહી જશે, તેમને વધુ એક તક આપીને ફરી નોટિસ ફટકારવામાં આવશે.
જંગલેશ્વર વિસ્તારના આગેવાનો અને રહીશોએ પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તેમની પાસે વર્ષો જૂના લાઈટ બિલ અને વેરા બિલ સિવાય કોઈ અન્ય સરકારી દસ્તાવેજ નથી. તેઓએ માંગ કરી છે કે, "અમે જંત્રીના દર મુજબ મકાન અને દુકાન ખરીદવા તૈયાર છીએ, પણ અમને બેઘર ન કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જંગલેશ્ર્વરમાં આજી નદીના કાંઠે આવેલી સરકારી ખરાબાની 80 હજાર ચોરસમીટરથી વધુ જમીન ઉપર વર્ષોથી ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે અને નદીનો મોટો હિસ્સો પણ બુરાઈ ગયો છે. વર્ષો સુધી તંત્ર ઉંઘમાં રહ્યા બાદ હવે ગેરકાયદે મકાનો તોડવા નોટિસો આપવામાં આવતાં ત્રણ ચાર દાયકાથી અહિં રહેતાં ગરીબોએ વૈકલ્પીક વ્યવસ્થા કરવા અથવા જંત્રીદરે પ્રિમીયમ વસૂલી દબાણો કાયદેસર કરી આપવા માંગણી કરી છે.
બુધવારે જંગલેશ્ર્વરથી હોસ્પિટલ ચોક સુધી રેલી
તંત્ર દ્વારા વર્ષો જુના મકાનો હટાવવા નોટિસો આપતા તેના વિરોધમાં જંગલેશ્વરના રહીશો દ્વારા બુધવારના રોજ જંગલેશ્વરથી હોસ્પિટલ ચોક સુધી વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં આવે, વડાપ્રધાન રાજકોટ કાર્યક્રમ દરમિયાન તેમને રૂબરૂ મળી રજૂઆત કરવાની ચીમકી રહીશોએ આપી છે.
