Hanuman Chalisa: રાજકોટ શહેરમાં ફરી એક વખત ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું

આ કથા તારીખ 27 ડિસેમ્બર, 2025થી 2 જાન્યુઆરી, 2026 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 19 Dec 2025 11:19 PM (IST)Updated: Fri 19 Dec 2025 11:19 PM (IST)
hanuman-chalisa-yuva-katha-was-organized-in-rajkot-city-658566

Hanuman Chalisa:દેવ હનુમાનજી મહારાજની કૃપાથી રાજકોટ શહેરમાં ફરી એક વખત ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તારીખ 27 ડિસેમ્બર, 2025થી 2 જાન્યુઆરી, 2026 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કથામાં સાળંગપુરધામના પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસાનું રસપાન કરાવાશે.

કથાના પ્રારંભ પૂર્વે ૨૭ ડિસેમ્બરના રોજ બપોરે ૨ વાગ્યે વિરાણી હાઈસ્કૂલના મેદાનથી ભવ્ય પોથીયાત્રા નીકળશે. પોથીયાત્રામાં સંત-મહંતોનું સામૈયું કરવામાં આવશે તથા ૫૫૧ બહેનો પોથીજી સાથે જોડાશે. યાત્રામાં હાથી, ઉંટગાડી, બળદગાડી, બુલેટ-બાઈક, બગી, નાસિક ઢોલ અને આફ્રિકન સદી ધમાલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

હનુમાન ચાલીસા યુવા કથા દરરોજ સાંજે 8.30 થી રાત્રીના 11.30 કલાક સુધી યોજાશે. યુવાનો અને શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’થી અને સમાપન ‘વંદે માતરમ’થી કરવામાં આવશે. ખાસ કરીને 31ડિસેમ્બરે હજારો યુવાનો ‘દાદાના’ રંગે રંગાશે.

વિશેષ આયોજન

કથા સ્થળે વિશાળ મેઈન સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જેમાં બે મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે. સ્ટેજની એક બાજુ રાષ્ટ્રધ્વજ અને બીજી બાજુ ધર્મધ્વજ શોભશે. મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની અભિભૂતિ કરાવતું મંદિર બનાવવામાં આવશે. શ્રોતાગણોની સુવિધા માટે ૧૨×૨૦ ફૂટની ૮ વિશાળ એલઈડી સ્ક્રીનો પણ મુકવામાં આવશે.

દરરોજ પ્રસાદની વ્યવસ્થા
આ કથામાં દરરોજ 50 હજારથી વધુ શ્રોતાગણો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તમામ ભક્તો માટે દરરોજ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ, રાજકોટ દ્વારા શહેરની સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.