Rajkot: કોરોના કાળનાં બે વર્ષ બાદ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાયકલોફનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં રાજકોટના પ્રથમ નાગરિકની સાથોસાથ રાજકોટ જિલ્લા કલેકટર અને રાજકોટ પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં આ સાયકલની ઇવેન્ટમાં 9,000 થી પણ વધુ સાયકલવીરોએ 5-20 કિમીની સાયકલ રાઈડમાં ભાગ લઈ પોતાનું સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવવા માટે અન્યને હાકલ પણ કરી હતી.
ફીટ રાજકોટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી “સાયક્લોફન”નું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન તથા સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના સંયુક્ત ઉપક્રમે આજરોજ સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસદ સભ્યો, ભાજપનાં ધારાસભ્યો, રાજકોટ મનપાનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપરાંત બંને સંસ્થાના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. આ સાયક્લોફનમાં 5 કીમી અને 20 કીમી સાઈકલ રાઈડ યોજાઈ હતી. જેમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.ની 500થી વધુ શાળાઓનાં 5000થી વધુ બાળકો મળી અંદાજે 9000 જેટલા સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો.

આ સાયકલોફનમાં સહભાગી બનેલા સાયકલિસ્ટોએ પણ આ ઇવેન્ટને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં એક એવું પ્લેટફોર્મ ઊભું થયું છે કે જે લોકો સાયકલ પ્રત્યે જાગૃત છે તે આ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. આવા આયોજનથી શરીર ઘણું સ્વસ્થ રહે છે. જે લોકો હજુ આ અંગે જાગૃત નથી તેઓએ પણ આવી ઇવેન્ટમાં સહભાગી થવાની અપીલ પણ સાયકલીસ્ટોએ કરી હતી. અને આયોજકોનો આભાર વ્યક્ત કરી આ પ્રકારના આયોજનો કરવાનું જણાવ્યું હતું.
