Fake Sexual Wellness Medicine Scam: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં સેક્સ્યુઅલ પાવર વધારવાની દવાના નામે ઓનલાઈન છેતરપિંડી અને બ્લેકમેલિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભાયાવદર પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ચાલતાં કોલ સેન્ટરોનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ગેરકાયદેસર ધમધમતા કોલ સેન્ટર પર દરોડો.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભાયાવદર ટાઉનના ઉમિયા નગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ આ ગેરકાયદેસર કોલ સેન્ટરો કાર્યરત હતાં. અહીં આરોપીઓ કથિત રીતે ખોટા ડૉક્ટર બનીને B-12 અને ન્યુરો શક્તિ પ્લસ જેવી આયુર્વેદિક પ્રોડક્ટના નામે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.
આરોપીઓ ગ્રાહકોને ફસાાવતા હતા
આરોપીઓ "bedroomboss.in" વેબસાઇટ મારફતે ગ્રાહકોને પોર્નોગ્રાફિક સાહિત્ય મોકલીને ઉશ્કેરતા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારબાદ ગ્રાહક દ્વારા ઓર્ડર રદ કરવામાં આવે તો તેના પરિવારજનોને જાણ કરવાની અથવા પોલીસ ફરિયાદ કરીને આજીવન જેલમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવતી હોવાનો આરોપ છે. આ રીતે ગ્રાહકોને ડરાવી-ધમકાવી બ્લેકમેલ કરીને બળજબરીથી નાણાં પડાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.
પોલીસે 10 લોકોની અટકાયત કરી
સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાયાવદર પોલીસની ટીમે ત્રણેય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 18 કોમ્પ્યુટર અને લેપટોપ, 23 મોબાઈલ ફોન તથા રાઉટર સહિત કુલ રૂ. 5,16,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ગુનામાં સંડોવણીના આરોપસર પોલીસે કુલ 10 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે હાર્દિક ખાંભલા સહિત અન્ય પાંચ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કૌભાંડમાં સંડોવાયેલા લોકોની તપાસ
ઓનલાઈન ખરીદીના નામે ગ્રાહકોને ડરાવીને નાણાં પડાવવાના આ કથિત કૌભાંડના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા હવે આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે, તે સહિતની વધુ વિગતો મેળવવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
