Rajkot News:રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઇડીસી ગેટ નં.02માંથી કોઈ પણ જાતની પ્રમાણિત તબીબી ડિગ્રી વગરના તબીબને ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. મૂળ યુપીના આ શખ્સે મેટોડામાં એક વર્ષ સુધી રહી પોતાની ડેન્ટિસ્ટ તરીકેની ખોટી ઓળખ ઊભી કરી અનેક દર્દીઓના દાંત કાઢ્યા હતા.
ક્રાઈમ બ્રાંચની ટીમે જુદી જુદી એલોપેથિક દવાઓ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા28 હજારના મુદ્દામાલ સાથે નકલી તબીબને ઝડપી લીધો હતો. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડવા સૂચના મળેલી હતી.
સૂચના મુજબ એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટે. શિવરાજભાઈ ખાચર તથા મયૂરભાઈ વીરડા ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે મેટોડા જીઆઇડીસી ગેટ નં.3 મુરલીધર વે-બ્રિજની બાજુમાં આવેલા માઈન્ડ સ્વિફ્ટ કોમ્પ્લેક્સમાં દુકાન નં.6માં ચાલતા બાલાજી દાંતનું દવાખાનું છેલ્લા એક વર્ષથી ચલાવતો શખ્સ કોઈ પણ જાતની ડિગ્રી વગર એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન રાખી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો હોવાની જાણ થતા ટીમે સ્થળે પહોંચી શખ્સની પૂછપરછ કરતા તેનું નામ રાજમંગલ મૂરત સહાની(ઉં.વ.58, રહે.હાલ મેટોડા જીઆઈડીસી) હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં શખ્સ છેલ્લા એક વર્ષથી ઉત્તરપ્રદેશથી રાજકોટ આવેલો હતો અને અહીં આ ક્લિનિક ચલાવતો હતો. તેણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. અત્યાર સુધીમાં ઘણા બધા દર્દીઓની જેમ તેમ સારવાર કરી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે છ વર્ષ સુધી યુપીમાં પણ પ્રેક્ટિસ કરી હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું.
