Rajkot News: ગત માર્ચ મહિનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનેલી રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુની ઘટનામાં નવો અને મોટો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા (ગણેશ ગોંડલ) અને મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવર રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા ખળભળાટ મચી ગયો છે.
ગત તારીખ 9 માર્ચ, 205ના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી રાજસ્થાનના યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ ૧૪ માર્ચે રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમારનું મોત કોઈ હુમલાથી નહીં પરંતુ માર્ગ અકસ્માતમાં થયું છે. તત્કાલીન ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહાસાગર ટ્રાવેલ્સની બસની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું, જે બાદ પોલીસે બસ ચાલક રમેશ મેરની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.
પિતાના આક્ષેપો અને કોર્ટનો હુકમ પોલીસની 'અકસ્માત'થીયરી સામે મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પુત્રનું મોત અકસ્માત નથી, પરંતુ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ જાડેજાએ તેને બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ આક્ષેપો અને કેસની ગંભીરતાને ધ્યાને લઈને સત્ય બહાર લાવવા માટે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી, જેને હવે કોર્ટે મંજૂરી આપી દીધી છે.
