Rajkot News: રાજકોટમાં માધાપર ચોકડી નજીક એઈમ્સમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી ઉપર દુષ્કર્મનો પ્રયાસની ઘટનામાં પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. ઘટના બાદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધવાને બદલે આરોપી પકડાશે પછી ગુનો નોંધશું તેમ કહી યુવતીની અરજી લેતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા 20ના રોજ માધાપર ચોકડી નજીક રહેતી અને એઇમ્સમાં ફરજ બજવાતી રાજસ્થાનની 23 વર્ષીય યુવતી પોતાની ફરજ પતાવીને ઘરે પરત ફરી રહી હતી. રાત્રે 8 વાગ્યાની આસપાસ તે રિક્ષામાં બેસીને માધાપર ચોકડી પહોંચી હતી. ત્યાંથી રસ્તો ક્રોસ કરીને 8.30 વાગ્યાની આસપાસ પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે કાચા રસ્તા અને અંધારામાં તેની પાછળ કોઇ દોડીની આવી રહ્યું હોવાનો તેને ભાસ થયો હતો.
નર્સે પાછળ વળીને જોતા કાળા રંગનું જેકેટ પહેરેલો યુવક તેની તરફ દોડી આવ્યો હતો અને નર્સ કંઇ સમજે તે પહેલા તેને પકડીને નાળામાં ખેંચી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. નર્સે હિમંતભેર પ્રિતકાર કરતા શખ્સ ઉશ્કેરાયો હતો અને નર્સને ઢસડી હતી. જોકે નર્સે હિંમત હારી ન હતી અને પોતાને બચાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. જેમ-તેમ કરી પોતાને બચાવીને નર્સ પોતાના એપાર્ટમેન્ટ પર પહોંચી હતી અને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના અંગે એપાર્ટમેન્ટના રહિશોને વાકેફ કર્યા હતા. જેથી રહિશો તેની સાથે બનાવ સ્થળે પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં નરાધમ યુવક ફરાર થઇ ગયો હતો.
ઇજાગ્રસ્ત નર્સને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં નર્સ ફરિયાદ કરવા ગાંધીગ્રામ પોલસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ એ સમયે પોલીસે આરોપી પકડાય પછી ફરિયાદ નોંધીશુ તેમ કહીને માત્ર અરજી લઇને નર્સને રવાના કરી દેવામાં આવી હતી. પોલીસે માધાપર ચોકડી નજીક બની રહેલા પૂલનું કામ કરતા કેટલાક શ્રમિકો નર્સ સમક્ષ રજૂ કર્યા હતા પરંતુ તેમાંથી કોઇ ન હોવાથી પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.