AIIMS રાજકોટમાં રૂ. 39 કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધા શરૂ, સૌરાષ્ટ્રના કેન્સર દર્દીઓને ઘરઆંગણે મળશે સારવાર

રાજકોટ AIIMSમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે રૂ. 39 કરોડની રેડિયોથેરાપી સુવિધાનું લોકાર્પણ. હવે સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે ઘરઆંગણે અદ્યતન કેન્સર સારવાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 09:04 PM (IST)Updated: Mon, 02 Nov 2026 09:08 PM (IST)
aiims-rajkot-opens-rs-39-cr-advanced-radiotherapy-facility

AIIMS Rajkot Radiotherapy Facility: ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આજે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજકોટ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS) ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્તે ઑનલાઇન માધ્યમથી આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આશરે રૂ. 39 કરોડના રોકાણથી વિકસાવવામાં આવેલી આ સુવિધા સૌરાષ્ટ્ર સહિત આસપાસના જિલ્લાઓના કેન્સરના દર્દીઓ માટે અદ્યતન અને ગુણવત્તાયુક્ત સારવારની નવી આશા લઈને આવી છે.

દર્દીઓ અને પરિવારોને આર્થિક-માનસિક બોજમાંથી મુક્તિ મળશે: પ્રફુલભાઈ પાનશેરિયા

આ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, AIIMS રાજકોટ ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાની શરૂઆત સમગ્ર ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ સુવિધા કેન્દ્ર અને રાજ્ય સરકારની અદ્યતન, સુલભ અને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. કેન્સર માત્ર દર્દીને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે. સારવાર માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હોવાથી પરિવારો પર માનસિક અને આર્થિક બોજ વધે છે. હવે સૌરાષ્ટ્રના ગ્રામીણ, અર્ધશહેરી અને આર્થિક રીતે નબળા પરિવારોને ઘરઆંગણે આ સવલત મળવાથી મોટી રાહત થશે.

naidunia_image

રૂ. 39 કરોડના આધુનિક મશીનરી અને સારવાર પદ્ધતિઓ

ભારત સરકારના રોકાણથી વિકસાવવામાં આવેલી આ સુવિધામાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ સાધનો વસાવવામાં આવ્યા છે-

સાધનો: હાઈ એનર્જી લીનિયર એક્સિલરેટર, વાઈડ-બોર સીટી સિમ્યુલેટર અને એચડીઆર બ્રેકીથેરાપી યુનિટ.

સારવાર પદ્ધતિઓ: IMRT, VMAT, ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી (IGRT), સ્ટીરિયોટેક્ટિક ટેક્નિક્સ અને બ્રેકીથેરાપી જેવી સુવિધાઓ વધુ ચોકસાઈ અને સુરક્ષા સાથે ઉપલબ્ધ બનશે.

લાભ ધરાવતા રોગો: આ સુવિધાથી માથા અને ગળાના કેન્સર, સ્ત્રીરોગ સંબંધિત કેન્સર તેમજ સ્તન કેન્સર સહિતના વિવિધ કેન્સરની અદ્યતન સારવાર સહેલાઈથી મળશે.

PM-JAY આયુષ્માન યોજના હેઠળ મફત અને સુલભ સારવાર

આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા દર્દીઓને આ યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આર્થિક મુશ્કેલીના કારણે કોઈ પણ પરિવાર જરૂરી કેન્સર સારવારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત સરકાર આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ, પ્રશિક્ષિત માનવબળ, વહેલું નિદાન અને જનજાગૃતિ વધારવા કટિબદ્ધ છે.

naidunia_image

વિવિધ મહાનુભાવો અને તબીબી ટીમની ઉપસ્થિતિ

આ પ્રસંગે લોકસભા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ (IAS), એઇમ્સ રાજકોટના અધ્યક્ષ પ્રો. ડૉ. જે. એસ. તિતિયાલ તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. ડૉ. એલ. એન. દોરાઈરાજન સહિત ફેકલ્ટી સભ્યો, તબીબો, આરોગ્યકર્મીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.