Rajkot News:રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં વૃદ્ધ માતાની દેખરેખ માટે રાખવામાં આવેલી કેરટેકર યુવતીએ જ કારખાનેદારના ઘરેથી રૂ. 11.20 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરી છે. માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી છે, જ્યારે ક્રાઇમ બ્રાંચે કેરટેકરની પૂછપરછ શરૂ કરી દીધી છે.
પ્રદ્યુમન ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર 'ગ્લોટેક સ્ટીલ' નામે કારખાનુ ચલાવતા ધીરેનભાઈ હીરાલાલ વાઘરએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના 83 વર્ષીય માતા હર્ષાબેન હીરાલાલ વાઘર પિતાના અવસાન બાદ માલવિયાનગર સોસાયટીમાં એકલા રહેતા હોવાથી, તેમની સાર-સંભાળ માટે 'ગીતાંજલી હોમ હેલ્થકેર' નામની એજન્સી મારફતે ન્યારા ગામની ભાવનાબેન રમેશભાઈ ભૂતને કેરટેકર તરીકે રાખવામાં આવી હતી. ભાવનાબેન ઓગસ્ટ મહિનાથી રાત-દિવસ તેમની દેખરેખ રાખતા હતા, જેના બદલ તેમને રોજના રૂ. 1400 ચૂકવવામાં આવતા હતા.
31 ઓક્ટોબરના રોજ માતા હર્ષાબેને કેરટેકરની જરૂર નથી તેમ જણાવતા ધીરેનભાઈએ ભાવનાબેનને છૂટા કર્યા હતા. બાદમાં 2 નવેમ્બરના રોજ ધીરેન તેમના મિત્ર કિશોરભાઈ પટેલ સાથે માતાના ઘરે ગયા હતા. માતાએ એકલા રહેતા હોવાથી કબાટમાં રાખેલી કિંમતી વસ્તુઓ ચેક કરીને બેન્કના લોકરમાં મૂકી આવવા કહ્યું હતું.
ધીરેનભાઈએ કબાટ ખોલતા અંદર કોઈ વસ્તુ નહોતી. માતાએ જણાવ્યું કે કબાટમાં સોનાની ઘડિયાળનો બેલ્ટ (આશરે 40 ગ્રામ), સોનાનું ડોકિયું (આશરે 20 ગ્રામ), સોનાની નાકની ચૂંક, સોનાનું ઓમકાર, મોતીની સોના મઢેલી માળા અને રૂ.3 લાખ રોકડા મળીને કુલ રૂ. 11.20 લાખની મતા હતી.ધીરેનભાઈને શંકા જતાં તેમણે ભાવનાબેનને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ભાવનાએ કોઈ જવાબ ન આપ્યો, પરંતુ વધુ સખ્તાઈથી પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
ભાવના જાણતી હતી કે વૃદ્ધ હર્ષાબેન તમામ વસ્તુઓ અને કબાટની ચાવીઓ પથારી નીચે રાખતા હતા. આ નબળાઈનો લાભ લઈને કેરટેકરે ચાવીઓ વડે કબાટ ખોલીને રોકડ અને દાગીનાની ચોરી કરી હતી.આ મામલે માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી છે અને કેસની વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાંચે ભાવનાબેનની પૂછપરછ શરૂ કરી દીધી છે. ચોરી થયેલા દાગીના અને રોકડ કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
