Rajkot News: જામનગર રોડ પર બાઈક લઇને જતી વખતે શુક્રવારે 28 વર્ષિય નૈતિક જાજલને અકસ્માત નડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા રોડ પરથી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિવિધ રિપોર્ટ અને સારવાર કરવામાં આવ્યા બાદ નૈતિક બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. દુ:ખની આ ઘડીમાં પણ હિંમત હાર્યા વગર નૈતિકના માતા-પિતા તેમજ પરિવારજનોએ નૈતિકના તમામ અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. જેને લઈ રાજકોટમાં 105નું અંગદાન થયું હતું. જેમાં સૌપ્રથમ વખત હૃદય, બે કિડની તેમજ બન્ને ફેફસાનું દાન થયું હતું.
ગોકુલ હોસ્પિટલના સિનિયર તબીબ ડો. તેજસ કરમટાએ જણાવ્યું હતું કે, અકસ્માત થયા બાદ નૈતિકને અહીં લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ખુલાસો થયો હતો કે નૈતિકના મગજમાં ચેતના નથી. બાદમાં તબીબોએ તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા નૈતિકના માતા-પિતા અને પરિવારજનોને સમજાવતા તેઓ તુરંત અંગદાન માટે સહમત થયા હતા. માતા-પિતાની સહમતિ મળતાં જ અંગદાનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
ફરજ પરના તબીબોએ તાત્કિલાક ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. મોડી રાત સુધી આ પ્રક્રિયા ચાલ્યા બાદ મૃતક નૈતિકના હૃદયને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ તથા બન્ને ફેફસાને ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલ અને બન્ને કિડની અને લીવરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. નૈતિકના આ અંગોના દાનથી પાંચ લોકોને નવજીવન મળશે.
નૈતિકના જે અંગોનું દાન કરવામાં આવ્યું છે તે અંગો ફિટ હોવાથી ગ્રીન કોરિડોર થકી અમદાવાદ તથા ચેન્નાઇ મોકલાયા હતા. ડો. તેજસ કરમટાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં અત્યારસુધીમાં 104 અંગદાન થયા છે અને આ 105મું અંગદાન છે. જોકે એકસાથે લીવર, કીડની, ફેફસા અને હૃદય સહિતના અંગોનું દાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.