Gujarat Lion Video: બરડા જંગલ સફારીમાં એકસાથે 11 સિંહો જોવા મળ્યા, પોરબંદરના પર્યટનને નવી દિશા મળી

પોરબંદર નજીક આવેલા બરડા જંગલ સફારી વિસ્તારમાં કુદરતી રીતે સિંહ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા બાદ તાજેતરમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહો જોવા મળ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 24 Oct 2025 05:13 PM (IST)Updated: Fri 24 Oct 2025 05:13 PM (IST)
porbandar-tourism-boom-barda-jungle-safari-records-rare-sighting-of-11-lions-626111

Porbandar News: દાયકાઓથી, ગુજરાતના ગીર અભયારણ્યને એશિયાઈ સિંહોનું એકમાત્ર અને સુરક્ષિત નિવાસસ્થાન માનવામાં આવે છે. આ ભવ્ય પ્રાણીઓ માટે ગીર એક પર્યાય બની ગયું છે. જોકે સિંહોની સંખ્યામાં વધારો થતાં અમુક સિંહો દ્વારા પોરબંદર નજીકના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં કુદરતી રીતે સ્થળાંતર કરીને પોતાનું નવું ઘર બનાવ્યું છે. આ વિકાસ વન્યજીવ સંરક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે એક નવી આશા જગાવે છે. તાજેતરમાં એકસાથે 11 સિંહો જોવા મળ્યા હતા. બરડા સફારી આવેલા પ્રવાસીઓને એકસાથે 11 સિંહો જોવો મળ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

એકસાથે 11 સિંહો જોવા મળ્યા

પોરબંદર નજીક આવેલા બરડા જંગલ સફારી વિસ્તારમાં કુદરતી રીતે સિંહ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા બાદ તાજેતરમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહો જોવા મળ્યા હતા. 11 સિંહોનું એક સમૂહ બરડા જંગલમાં જોવા મળ્યું હતું. જેમાં બાળ સિંહો પણ મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ અંગેનો વીડિયો જે અંગેનો વીડિયો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઘટના વન વિભાગ અને પર્યાવરણવિદો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સિંહોએ ગીરના વન્યજીવન દબાણમાંથી બહાર આવીને બરડાના શાંત અને સમૃદ્ધ વાતાવરણને અપનાવ્યું છે, જે તેમના માટે અનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે.

સ્થળાંતર સિંહોની પ્રજાતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ

બરડા ડુંગરના જંગલો, જે પોરબંદર જિલ્લામાં આવેલા છે, તે સિંહો માટે પર્યાપ્ત ખોરાક અને પાણીની ઉપલબ્ધતા ધરાવે છે, જે સિંહોની વસ્તી વૃદ્ધિ માટે અનિવાર્ય છે. આ સ્થળાંતર સિંહોની પ્રજાતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમને રોગચાળા અને કુદરતી આફતો સામે વધુ સ્થિતિસ્થાપક બનાવે છે. આનાથી સિંહોની વસ્તીના વિતરણનો વિસ્તાર પણ વધે છે, જે લાંબા ગાળાના સંરક્ષણ માટે ફાયદાકારક છે.

ગીર પછીનું બીજું મુખ્ય આકર્ષણ બની શકે

પોરબંદર, જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે જાણીતું છે, તે હવે વન્યજીવ પર્યટનના નકશા પર પણ ઉભરી રહ્યું છે. બરડા ડુંગરના ખોળામાં પોતાના પરિવાર સાથે રમતા આ યુવાન સિંહો પર્યટન જગતમાં પોરબંદરના ઉજ્જવળ ભવિષ્યની ઝલક આપે છે. બરડા જંગલ સફારી હવે પ્રવાસીઓ માટે ગીર પછીનું બીજું મુખ્ય આકર્ષણ બની શકે છે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

આ ઘટના ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે અને સિંહોના વિતરણ વિસ્તારના વિસ્તરણ માટેના દીર્ઘકાલીન ધ્યેયને મજબૂત બનાવે છે. બરડા જંગલ સફારીમાં સિંહોની હાજરી વન્યજીવ ઉત્સાહીઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે એક અદ્ભુત અનુભવ પ્રદાન કરશે. આ વિકાસ ભવિષ્યમાં બરડાને એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે અને પોરબંદરને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરશે.