Radhanpur Highway Accident: પાટણના રાધનપુર-સમી રોડ પર આવેલા ગોચનાદ ગામ પાસે એક અત્યંત ગમખ્વાર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. દેવ દર્શ કરીને પાછા ફરી રહેલા રાજસ્થાનના એક જ સોની પરિવારની સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 2 સભ્યોના દર્દનાક મોત થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
દીકરીને મળવા જતાં કાળ ભેટ્યો
મળતી માહિતી પ્રમાણે, મૂળ ગુજરાતના અને હાલ રાજસ્થાનમાં સ્થાયી સોની પરિવાર ગુજરાત પ્રવાસે આવ્યો હતો. પરિવારના લોકો દ્વારકા દર્શન કરીને ભાભર ખાતે રહેતી તેમની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર સમી રોડ નજીક આવેલા ગોચનાદ ગામ પાસે કાળમુખી ટ્રકે સ્વિફ્ટ કારને અડફેટે લઈ લેતાં કરુણ અને ગંભીર હોનારત સર્જાઈ હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા
ગંભીર દુર્ઘટનાને નજરે જોતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા 4 ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બંને મૃતકોના શબોને પીએમ હેતુથી સમીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
