પાટણમાં પરિણીતાને 3 મહિના સુધી ગોંધી રાખી બળજબરીપૂર્વક ગુજાર્યું દુષ્કર્મ, 4 સામે ફરિયાદ

પાટણના સિદ્ધપુરમાં પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી 3 મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ. સુરત અને બીલીયા ગામની ઘટનામાં મુખ્ય આરોપી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 07 Nov 2026 10:42 AM (IST)Updated: Sat, 07 Nov 2026 10:42 AM (IST)
patan-siddhpur-woman-rape-case-4-accused-police-complaint

Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી એક 28 વર્ષીય પરિણીતા સાથે પાશવી રીતે દુષ્કર્મ આચર્યાની ગંભીર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પરીણિતાના આક્ષેપ પ્રમાણે, તેને અને ચાર વર્ષની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક સુરત અને બીલીયા ગામે ગોંધી રાખીને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપી રસિકજી ઉર્ફે લાવરી લક્ષ્મણજી ઠાકોર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

28 વર્ષીય પરીણિતા સાથે દુષ્કર્મ

મળતી માહિતી પ્રમાણે, સિદ્ધપુરમાં 28 વર્ષીય મહિલા છ મહિનાથી કડિયા કામ અને સેન્ટિંગની મજૂરી કરતી હતી. આ દરમિયાન તેની ઓળખાણ બીલીયા ગામના રસિકજી ઠાકોર સાથે થઈ હતી. મહિલા અને તેનો પતિ સાથે કોઈ અંગત કારણોસર અલગ અલગ રહેતા હતા. તેમજ છૂટાછેડા પણ લેવાના હતા. 6 માસમાં મહિલાને આરોપી અવારનવાર મળતો હતો. ત્યારે 22 જુલાઈ 2026ના રોજ રાત્રે આરોપીએ મહિલાની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક પર બેસાડીને બીલીયા ગામ લઈ ગયો હતો

મહિલા પાસે લખાણમાં સહીઓ કરાવી

ઘટના બાદ 23 જુલાઈના રોજ આરોપી મહિલાને સુરતમાં કાકાને ઘરે લઈ જઈને સતત એક અઠવાડિયા સુધી દુષ્કર્મ આચર્યુ હતું. મહિલાના આક્ષેપ પ્રમાણે, આ ગુનાહિત કાંડમાં આરોપી સાથે બીલીયા ગામના ભાર્ગવ પટેલ, સેમ પટેલ અને ગોવિંદ પટેલ પણ મદદગારી કરી હોવામાં સામેલ હતા. આરોપીએ આટલેથી પણ ન અટકતાં 1 ઓગસ્ટના રોજ મહિલા પાસેથી બળજબરીપૂર્વક લખાણ લખાવીને સહીઓ કરાવી. 2 ઓગસ્ટના રોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ધમકીઓ આપીને તેના પક્ષમાં જવાબ લખાવ્યો હતો.

3 મહિના ગોંધી રાખી દુષ્કર્મનો આક્ષેપ

આરોપીઓએ 1 ઓગસ્ટે સુરતમાં મહિલા પાસેથી બળજબરીથી લખાણમાં સહીઓ કરાવી લીધી હતી અને 2 ઓગસ્ટે સિદ્ધપુર પોલીસ સ્ટેશન લાવી ડરાવી-ધમકાવીને પોતાના પક્ષમાં જવાબ લખાવ્યો હતો. આરોપીએ 28 વર્ષીય પરીણિતાને સતત 3 મહિના સુધી ઘરમાં ગોંધી રાખીને પાશવી રીતે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીના સતત શારીરિક દુષ્કર્મથી કંટાળીને મહિલાએ તેની બહેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં આરોપીએ તેને ધોકાથી મારી હતી.

4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ

આરોપીએ મહિલાને માર મારવા જતાં પાડોશીઓ વચ્ચે આવી ગયા હોવાથી તે બચીને પિતાના ઘરે ગઈ હતી. ત્યારબાદ તેણે સઘળી હકીકત પરિવારજનોને જણાવી હતી. પીડિત મહિલાએ પરિવારજનોની મદદથી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ અરજી કરી હતી. જેના આધારે સિદ્ધપુર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને ચારેય આરોપીને પકડી પાડવા કાર્યવાહી શરુ કરી છે.