લોકલ ડેસ્કઃ પાટણ-હારીજ હાઇવે પર આવેલી સાઈબાબા ચોકડી પાસે એક યુવકને લીધે કેટલાક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાની ઘટના સામે આવી છે. પત્નીના વિરહમાં ભાનભૂલી ગયેલો યુવક રોડની વચ્ચોવચ બિન્દાસ સૂઈ ગયો હતો. જેને લીધે ભારે ટ્રાફિકજામ થયો હતો. આ પછી ત્યાં હાજર લોકોએ જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખો મામલો થાળે પાડ્યો હતો. મહત્ત્વનું છે કે, યુવકના થોડાક સમય પહેલાં છૂટાછેડા થયા હતાં.
મૂળ કાનોસણ ગામના રહેવાસી યુવકના થોડાક સમય પહેલાં છૂટાછેડા થયા હતાં. આ પછી તેની પત્નીને ફરી લેવા જતાં સાસરિયાઓએ મોકલવાની ના પાડી હતી. જે બાદ યુવકે પાટણ-હારીજ હાઇવે પર આવેલી સાઇબાબા ચોકડી માથે લીધી અને રોડની વચ્ચોવચ આરામથી સૂઈ ગયો હતો. જેને લીધે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.
પત્નીના વિરહમાં ભાન ભૂલેલા યુવકે એવી હઠ કરી હતી કે, વાહન તેના પર ચઢાવી દેવામાં આવે. આ દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે મહામહેનતે ટ્રેક્ટર ત્યાંથી બહાર કાઢ્યું હતું. આ પછી ત્યાં હાજર લોકોએ યુવકના સગા અને તેના સાસરિયાને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા હતાં. આ પછી તેમને યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજવા તૈયાર જ નહોતો. અંતે પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ હતી. ત્યાર બાદ પોલીસે રોડની વચ્ચોવચ સૂતેલાં યુવકને ત્યાંથી ઉઠાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
