પાટણના વાહનચાલકોને દિવાળી પૂર્વે મોટી રાહત: કોઈટા બ્રિજ પાસે ડાયવર્ઝન માર્ગ ખુલ્લો મુકાયો

₹2.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 400 મીટર લાંબા ડાયવર્ઝન માર્ગનેનાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 10:25 PM (IST)Updated: Thu, 05 Nov 2026 10:25 PM (IST)
patan-deesa-state-highway-koita-bridge-diversion-road-inaugurated-before-diwali

Koita Bridge Diversion Route: પાટણ-ડીસા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા કોઈટા બ્રિજ પાસે વાહનચાલકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા ડાયવર્ઝન માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ₹2.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 400 મીટર લાંબા ડાયવર્ઝન માર્ગને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર અવિરત જળવાઈ રહે તે દિશામાં આ ડાયવર્ઝન માર્ગ મહત્વપૂર્ણ બની રહેશે. ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થતાં જ પાટણ-ડીસા માર્ગ પર વાહન વ્યવહારનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે, પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે માર્ગો, મકાનો અને પુલોનું પ્રિ-મોન્સૂન નિરીક્ષણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પાટણ-ડીસા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા કોઈટા બ્રિજનું નિરીક્ષણ કરતા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર ચાલુ રાખવી તકનીકી દૃષ્ટિએ હિતાવહ જણાતી ન હતી. આથી પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા 17 એપ્રિલથી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી.

આ નિર્ણયથી ભારે વાહનોને ભાટસર-ઉંટવાડા ચોકડી-ખોડાણા-રવિયાણા થઈ પાટણ-ડીસા રોડ સાથે જોડતા વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા, જેના કારણે વાહનચાલકોને લાંબો ફેરો કરવો પડતો હતો. વાહનચાલકોને પડી રહેલી આ મુશ્કેલીનું ત્વરિત નિરાકરણ લાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોઈટા બ્રિજની બાજુમાં નદીના પટમાં 400 મીટર લાંબો અને 7 મીટર પહોળો કોઝ-વે પ્રકારનો ડાયવર્ઝન બનાવવાની દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવી હતી. લોકહિતને પ્રાધાન્ય આપીને સરકાર દ્વારા માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં 24 જૂને રૂ. 250 લાખની મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીમાં ડાયવર્ઝનના નિર્માણની સાથે રોડ ફર્નિશિંગની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

સરકારની વહીવટી મંજૂરી મળતાં જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ડાયવર્ઝનનું બાંધકામ, ડામર સપાટી તેમજ રોડ ફર્નિશિંગની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ડાયવર્ઝન ખુલ્લો મુકાતાં પાટણ-ડીસા રાજ્ય ધોરીમાર્ગ પર અવરજવર કરતા નાગરિકો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.