Agniveer Bharti 2026: ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છુક યુવાનો માટે ઉત્તમ તક સામે આવી છે. લશ્કરી ભરતી માટે જરૂરી શારીરિક ક્ષમતા અને લેખિત પરીક્ષાની તૈયારીમાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ભરતી મેળા પૂર્વેનો એક માસનો વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગ સંભવિત તા. 25 નવેમ્બર, 2026થી શરૂ કરવામાં આવનાર છે.
તાલીમ વર્ગ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટેના માપદંડો નીચે મુજબ છે-
શૈક્ષણિક લાયકાત: ધોરણ-10 (SSC) પાસ અથવા તેથી વધુ.
વયમર્યાદા: 17.5 વર્ષથી 23 વર્ષની વયમર્યાદામાં આવતા હોવા જોઈએ.
શારીરિક ક્ષમતા: ઉમેદવારોમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભરતી માટે જરૂરી શારીરિક ક્ષમતા હોવી આવશ્યક છે.
અરજી કરવાની પદ્ધતિ અને છેલ્લી તારીખ
તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ ખાતેથી કચેરી સમય દરમિયાન અરજીપત્રક મેળવવાનું રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ: તા. 05/11/2026 સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફતે અરજી રજૂ કરવાની રહેશે.
સામેલ કરવાના દસ્તાવેજો: શૈક્ષણિક લાયકાતનાં તમામ અસલ પ્રમાણપત્રો, પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ.
અરજી મોકલવાનું સરનામું: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નં. 2, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, પાટણ.
વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા
નિવાસી તાલીમ માટે પસંદગી પામેલા ઉમેદવારોને 30 દિવસ સુધી શારીરિક કસોટી તથા લેખિત પરીક્ષાની ખાસ તૈયારી માટેની તાલીમ આપવામાં આવશે. આ 30 દિવસના સમયગાળા દરમિયાન ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા પણ એકદમ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
પસંદગી અંગેની મહત્વની સૂચનાઓ
નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ ખાતે નામ નોંધણી કરાવવી ફરજિયાત છે.
અગાઉ આ પ્રકારની નિવાસી તાલીમ મેળવી ચૂકેલા ઉમેદવારોને ફરીથી તાલીમ આપવામાં આવશે નહીં.
આર્મી ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને તાલીમ માટે પસંદગી આપવામાં પ્રથમ પ્રાથમિકતા રહેશે.
આથી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઇચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા તમામ યુવાનોને નિયત સમયમર્યાદામાં અરજી કરી આ વિનામૂલ્યે નિવાસી તાલીમનો મહત્તમ લાભ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
