Kirit Patel Resignation: ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કિરીટ પટેલે પક્ષની આંતરિક કાર્યપદ્ધતિ અને તાજેતરની નિમણૂકો સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર પક્ષના સંગઠનાત્મક હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે, ધારાસભ્ય પદેથી નહીં.
ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની નારાજગી અંગે જણાવ્યું હતું કે, આ નારાજગી તાત્કાલિક કારણોસર ઉદ્ભવી છે અને તેને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેના પરિણામે હું રાજીનામું આપી રહ્યો છું. તેમણે પોતાની નારાજગીનું પ્રથમ કારણ જણાવતા કહ્યું કે, થોડા સમય અગાઉ રાધનપુરમાં એક ઘટના બની હતી. વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયેલી સભા દરમિયાન એક વ્યક્તિએ તેમને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો હતો.
એસસી સેલની નિમણૂકોમાં નિયમોનું ઉલ્લંઘન
કિરીટ પટેલે વધુમાં જણાવ્યું કે, તેમની બીજી નારાજગી પાટણમાં એસસી સેલની કરાયેલી નિમણૂક સંબંધિત છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે, અત્યાર સુધીની પ્રણાલિકા મુજબ, જ્યારે પણ જિલ્લા કક્ષાના કોઈ પદાધિકારીની નિમણૂક થાય છે, ત્યારે સામાન્ય રીતે ચાલુ, હારેલા કે જીતેલા ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખની સંમતિ લેવામાં આવતી હોય છે. તેમણે રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે જિલ્લા પ્રમુખોને તાલીમ આપીને તેમને ફાઇનલ ઓથોરિટી બનાવવામાં આવશે અને AICC દિલ્હીથી સીધા તેમના સંપર્કમાં રહેશે.
વિરોધીઓને પદ આપવાનો પક્ષ પર આક્ષેપ
જિલ્લા પ્રમુખોને વિશ્વાસમાં લીધા વિના કોઈ કામ કરવામાં આવશે નહીં, અને ધારાસભ્યોની ટિકિટ પણ તેમને પૂછીને જ આપવામાં આવશે. આ આદેશો છતાં તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો. આવી નિમણૂકો પ્રદેશ કે જિલ્લા પ્રમુખ અથવા ધારાસભ્યોને પૂછ્યા વિના કરી દેવાઈ હોવા છતાં, તેમને આ બાબતે ખાસ વાંધો ન હોવાનું તેમણે જણાવ્યું. જોકે, તેમણે 2017ની ઘટના યાદ અપાવતા કહ્યું કે, જ્યારે અમે ધારાસભ્ય બન્યા, ત્યારે પ્રદેશ તરફથી અમને એક ફોર્મેટ આપવામાં આવેલું કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હોય તેવા લોકોના નામ આપો. અમે તે સમયે અમારા વિરુદ્ધમાં કામ કરનાર બે વ્યક્તિઓના નામ આપ્યા હતા.
પક્ષ વિરોધી કાર્ય કરનારા સામે કાર્યવાહી નહીં
કિરીટ પટેલે વધુમાં જણાવ્યું કે, તેમણે પ્રદેશ પ્રમુખને લેખિતમાં એક ગોપનીય પત્ર આપ્યો હતો, જેમાં વિરોધ કરનાર બે વ્યક્તિઓના નામ હતા. તેમાંથી એક વ્યક્તિ તો ભાજપમાં જોડાઈ ગયો. બીજી વ્યક્તિ વિરુદ્ધ 2020માં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, ઊલટું તેને 2020માં મારા જ વિસ્તારમાંથી જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી. પક્ષના આદેશ મુજબ તેમણે તે વ્યક્તિને જીતાડવામાં મદદ કરી. તેમ છતાં, 2022માં ફરી તે વ્યક્તિએ તેમના વિરુદ્ધ કામ કર્યું. 2022માં પણ પક્ષે તેમની પાસેથી વિરોધ કરનારાઓના નામનો રિપોર્ટ માંગ્યો હતો, અને તેમણે ફરી નામ આપ્યા હતા.
કયા કારણોસર આપશે દંડક પદેથી રાજીનામું
પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "2022થી 2025 સુધી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અને તાજેતરમાં એસસી સેલનું પ્રદેશ સંગઠન બન્યું ત્યારે તે જ વ્યક્તિને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી. તેના કારણે તેમના સ્થાનિક અને વફાદાર કાર્યકરોમાં ભારે નારાજગી વ્યાપી છે. કાર્યકરોએ તાળાબંધી કરીને રાજીનામું આપવાની પણ વાત કરી છે. આ કાર્યકરોને સમર્થન આપવા અને પ્રદેશ પ્રમુખની રૂબરૂમાં બનેલી ઘટનાઓ છતાં પુરાવા માંગવામાં આવતા હોવાથી, આ બાબત યોગ્ય ન હોવાને કારણે તેઓ દંડક પદેથી રાજીનામું આપવાનો છું.
3 વાગ્યે ખબર પડશે કે આ પ્રેશર ટેકનિક છે કે સાચી વાત છે
દંડક પદેથી રાજીનામું આપવાના નિર્ણયને "પ્રેશર ટેક્નિક" ગણાવવામાં આવે તે અંગે તેમણે સ્પષ્ટતા કરી. પટેલે જણાવ્યું કે, કોંગ્રેસમાં જેણે આ બાબત કહી છે, તેમને 3 વાગ્યે ખબર પડશે કે આ પ્રેશર ટેકનિક છે કે સાચી વાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ ફક્ત દંડક પદ છોડી રહ્યા છે. ધારાસભ્ય તરીકે પ્રજાએ અમને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. અમે પ્રજાનો વિશ્વાસ તોડી શકીએ નહીં. દંડક પદે અમને પાર્ટીએ નિમ્યા હતા, જ્યારે ધારાસભ્ય તરીકે પ્રજાએ ચૂંટ્યા છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે અમારે પ્રજા વચ્ચે જવું પડે, જ્યારે દંડક પદેથી રાજીનામું આપવા માટે અમારે કોઈને પૂછવાની જરૂર નથી. અમે અમારા નિર્ણય મુજબ રાજીનામું આપી રહ્યા છીએ.
