Hadaf Dam Status: પંચમહાલનો હડફ ડેમ 97.66 ટકા ભરાયો, ત્રણ ગેટ ખોલી 16 હજાર ક્યુસેક પાણી છોડાયું; નદી કિનારાના 6 ગામોને એલર્ટ

હડફ ડેમના દરવાજા ખોલીને 16 હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 11:48 AM (IST)Updated: Tue, 15 Sep 2026 11:48 AM (IST)
panchmahal-hadaf-dam-water-level-current-status-six-villages-on-alert
panchmahal hadaf dam

Panchmahal Hadaf Dam Status: પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકામાં આવેલા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે હડફ ડેમમાં નવા નીરની વિપુલ આવક થઈ છે. ડેમમાં પાણીની સતત આવક થતા આ સીઝનમાં પ્રથમવાર હડફ ડેમ 97.66 ટકા જેટલો ભરાઈને છલોછલ થઈ ગયો છે. ડેમની સુરક્ષા અને રૂલ લેવલ જાળવી રાખવાના ભાગરૂપે તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલીને 16 હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ઉપરવાસમાંથી હડફ ડેમમાં 10 હજાર ક્યુસેક જેટલા પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમની ભયજનક અને નક્કી કરાયેલી રૂલ લેવલ સપાટી 166.20 મીટર છે, જેની સામે હાલની જળસપાટી 166.10 મીટરે પહોંચી ગઈ છે. આથી જળસપાટી નિયંત્રિત રાખવા માટે તબક્કાવાર સવારે 11 વાગ્યે ડેમના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 16 હજાર ક્યુસેક પાણી નદીમાં પ્રવાહિત કરવામાં આવ્યું હતું.

હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે મોરવા (હડફ) તાલુકાના નદી કાંઠાના 6 ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાનપુર, મોરવા (હ), માતરીયા, ડાંગરીયા, કડાદરા અને કુવાઝર ગામનો સમાવેશ થાય છે.

સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદીની નજીક કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની ખાસ સૂચના અને એડવાઇઝરી જારી કરવામાં આવી છે. હાલ ડેમની જળસપાટી સ્થિર કરવા માટે નદીમાં 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અને તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.