ગુજરાતની લોકસભાની 26 બેઠક પૈકી 15 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંચમહાલ ભાજપના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડને નો-રીપીટ કરીને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા ભાજપના રાજકીય મોરચે આગામી લોકસભા ચૂંટણીઓ પૂર્વે એક મેજર અપસેટ સર્જાયો છે.
એમાં મહીસાગરનું પત્તું કપાયું અને પંચમહાલ જિલ્લાને રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારની પંસદગી બાદ પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવની પસંદગી કરાતા પંચમહાલ ભાજપનુ રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યુ હોવાની લાગણીઓ ભાજપ સમૂહમાં પ્રસરી જવા પામી છે.
ગુજરાત વિધાનસભા બેઠકમાં 2017ના ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને લુણાવાડા બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડ ભાજપના સમર્થક બન્યા બાદ તેઓ પંચમહાલ લોકસભા બેઠકમાં ભારે આશ્ચર્ય વચ્ચે ભાજપના ઉમેદવાર બન્યા બાદ ભાજપના સાંસદ સભ્ય તરીકે વિજેતા બન્યા હતા. ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ સામે ખુદ ભાજપ સમૂહના આંતરિક વિરોધ વચ્ચે વધુ એક તક આપીને બીજી ટર્મ માટે ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરાશેની ચાલી રહેલી રાજકીય અટકળો અને પંચમહાલને રાજ્યસભામાં સ્થાન મળ્યા બાદ મહિસાગરને સ્થાન મળશે અને રાજકીય ચર્ચાઓને હાસીયામાં ધકેલીને પૂર્ણવિરામ ફરમાવતા સત્તાધારી ભાજપના ચુકાદામા પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. હવે ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ માટે લુણાવાડા વિધાનસભા બેઠકમાં ભાજપનો પરાજય એ હાથ ના કર્યા હૈયે - વાગ્યા હોવાની ચર્ચાઓ પુનઃ તેજ બની છે.
રાજપાલસિંહ જાદવ મુળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે અને BA થયેલા છે. 1998ની સાલમાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘમાં જોડાયા બાદ 2000થી ભાજપામાં સક્રિય છે. આર્ટ્સ કોલેજના જીએસ સાથે જાહેર જીવનમાં પ્રવેશ કરનાર રાજપાલસિંહ 2001ની સાલમાં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને 2017માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત 2019માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા.
2021થી જિલ્લા ભાજપાના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો ભાજપાએ નિર્ણય કરી તેમને ટિકિટ ફાળવતા સમગ્ર પંચમહાલ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સૌથી આશ્ચર્યની વાત એવી છે કે રાજપાલસિંહ માત્ર 41 વર્ષના છે જેઓ લોકસભાની સીધી ચૂંટણી લડશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
